દીકરીને મોપેડ પર પ્લે સેન્ટરમાં મૂકવા જતી માતાનું કોક્રિટ મિક્સર ટ્રકની અડફેટે મોત
માતા પર તોતિંગ પૈંડા ફરી વળતા સ્થળ પર જ મોત : દીકરી ઉછળીને દૂર પડતા ઇજા થઇ
વડોદરા,ત્રણ વર્ષની દીકરીને પ્લે સેન્ટરમાં મૂકવા માટે મોપેડ લઇને જતી મહિલાને વાસણા ભાયલી રોડ નીલાંબર સર્કલ નજીક મિક્સર મશીનની ટ્રકે ટક્કર મારતા માતા દીકરી રોડ પર ફંગોળાયા હતા. માતા પર તોતિંગ પૈંડા ફરી વળતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે તેની પુત્રી ઉછળીને દૂર પડતા તેને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
ગોત્રી યોગી નગર સોસાયટી નજીક પ્રાધાન્ય રેસિડેન્સીમાં રહેતા તરૃણકુમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના લગ્ન વર્ષ - ૨૦૧૮ માં દેવગઢ બારિયામાં રહેતા જીતેન્દ્રભાઇ પાઠકની દીકરી હિમાની સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં ત્રણ વર્ષની દીકરી ત્રિશા છે. હિમાની મોલમાં નોકરી કરતી હતી. આજે સવારે હિમાની તેની દીકરીને પ્લે સેન્ટરમાં મૂકવા માટે મોપેડ લઇને નીકળી હતી. નિલાંબર સર્કલ પાસેથી પસાર થતા સમયે સિમેન્ટ કોંક્રિટની ટ્રક પૂરઝડપે ત્યાંથી પસાર થતી હતી. ટ્રક ચાલકે મોેપેડ ચલાવતા હિમાનીબેનને ટક્કર મારી હતી. જેના પગલે માતા - દીકરી રોડ પર ફંગોળાયા હતા. જે પૈકી હિમાનીબેન પર ડમ્પરના તોતિંગ પૈંડા ફરી વળતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે તેમની દીકરી થોડે દૂર ફંગોળાઇને પડી હતી. તેને પગ પર ઇજા પહોચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. લોકોએ ડમ્પર ચાલકને પકડી લીધો હતો. બનાવ અંગે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસે સ્થળ પર જઇ મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે ડમ્પરના ચાલક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. ડમ્પર ચાલક સલમાન દશમા મુર્મુ ( રહે. અલ્ટ્રા ટ્રેક આર.એમ.સી. કંપની, ગોરવા બી.આઇ.ડી.સી.,મૂળ રહે. બિહાર) ની ધરપકડ કરી હતી.
ભારદારી વાહનો પર અંકુશ લાવવામાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ
થોડા દિવસો બંધ રહેતા વાહનો ફરીથી દોડતા થઇ જાય છે
વડોદરા,શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવાછતાંય ખુલ્લેઆમ દોડી રહ્યા છે. જેના કારણે અવાર - નવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો પાસેથી નિયમોનો કડક અમલ કરાવવામાં આવે છે. પરંતુ, ભારદારી વાહનો પ્રત્યે કડક કાર્યવાહી થતી નથી. જ્યારે કોઇ અકસ્માત થાય ત્યારે અમિત નગર અને શહેરના અન્ય પીકઅપ પોઇન્ટ પરથી દોડતા ગેરકાયદે વાહનો બંધ થઇ જાય છે. પરંતુ, થોડા સમય પછી ફરીથી આ વાહનો દોડતા થઇ જતા હોય છે. રાતે ઇન્ટર સ્ટેટ દોડતી લકઝરી બસો પણ નવ વાગ્યા પહેલા જ શહેરમાં આવી જતી હોય છે. ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતી કેટલીક લકઝરી બસો તો આખો દિવસ શહેરમાં દોડે છે. પરંતુ, ટ્રાફિક પોલીસની તેના પર રહેમ નજર હોય છે.