આર્થિક સંકડામણના કારણે બે સંતાનોની માતાનો ફાંસો ખાઇને આપઘાત
પત્ની માર્કેટિંગનું ઓનલાઇન કામ કરતી હતી જ્યારે પતિ ફેબ્રિકેશનનું કામ કરતો હતો
વડોદરા,આર્થિક સંકડામણના કારણે બે સંતાનોની માતાએ ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિશ્વામિત્રી એચ.એસ. પટેલ સ્કૂલની પાસે વિશ્વ જ્યોતિ આશ્રમની ચાલીમાં રહેતા ૨૭ વર્ષના સરબજીતકૌર જાગીરસિંગ ધારીવાલે આજે મળસ્કે ચાર વાગ્યે પોતાના ઘરે પતરાના શેડની લોખંડની એંગલમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જગમાલભાઇએ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, સરબજીતકૌર ઘરેથી માર્કેટિંગનું કામ ઓનલાઇન કરતી હતી. તેના પતિ ફેબ્રિકેશનનું કામ કરતા હતા. પરંતુ, છેલ્લા પાંચ મહિનાથી પતિ પત્નીનું કામ વ્યવસ્થિત ચાલતું નહતું. આજે સવારે પાંચ વાગ્યે પતિ ઉઠીને નીચે આવ્યા ત્યારે તેમણે પત્નીને બેડરૃમમાં ફાંસા ખાધેલી હાલતમાં જોયા હતા. સરબજીતકૌરે આર્થિક સંકડામણના કારણે ફાંસો ખાધો હોવાની શક્યતા સેવાઇ રહી છે.