ત્રણ રીઢા આરોપીઓને ૩૦૦ ના ટોળાએ ઘેરીને હુમલો કરતા એકનું મોત એક ગંભીર
વારસિયામાં બાઇક પાર્ક કરીને સામેની ગલીમાં જતા હતા ત્યારે જ લોકોએ રોકતા ભાગ્યા અને પકડાઇ ગયા
વડોદરા,શહેરમાં ચોર ટોળકી ફરતી હોવાની અફવાના પગલે ભયનો માહોલ છે. દરમિયાન મળસ્કે ત્રણ રીઢા ગુનેગારો ચોરીની બાઇક લઇને ચોરીની ઘટનાને અંજામ આપવા માટે નીકળ્યા હતા. વારસિયા ઝૂલેલાલ મંદિર નજીક તેઓની વર્તણૂંક શંકાસ્પદ જણાતા લોકોએ પડકાર ફેંકતા ત્રણેય ચોર ભાગવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ તેઓનો પીછો કરી બે ને ઝડપી પાડયા હતા. જ્યારે ત્રીજો ભાગી ગયો હતો. ટોળાએ બે આરોપીને તિક્ષ્ણ હથિયાર અને લાકડી વડે માર મારતા એકનું મોત થયું હતું. જ્યારે અન્યની હાલત ગંભીર છે.
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ચોર ટોળકી મારક હથિયારો સાથે ફરતી હોવાની અફવા જોરશોરથી ફેલાઇ હતી. જેના કારણે લોકો આખી રાત મારક હથિયારો સાથે ઉજાગરા કરે છે. લોકોમાં ભયનો માહોલ છે. દરમિયાન ગઇકાલે રાતે આજવા રોડ એકતા નગરમાં રહેતા ત્રણ મિત્રો ઇકારામા ઉર્ફે અલી ઇમરાનભાઇ ટીલીયાવાલા (ઉં.વ.૨૦), શેહબાઝખાન સલીમખાન પઠાણ (ઉં.વ.૩૦) તથા સાહિલ સાજીદભાઇ શેખ (રહે. પ્રતાપનગર) રાતે દોઢ વાગ્યે ચોરીની બાઇક લઇને ચોરી કરવાના ઇરાદે આજવા રોડથી નીકળી યાકુતપુરા મદાર ટી સ્ટોલ પર ચા પીધી હતી. ચા પીધા પછી ત્રણેય રીઢા આરોપીઓ વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે આવીને ઉભા હતા. બાઇક પાર્ક કરીને તેઓ ગલીમાં જતા હતા. તેઓની વર્તણૂંક શંકાસ્પદ જણાતા ત્રણ વ્યક્તિઓએ તેઓને બૂમ પાડીને પૂછ્યું કે, તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? જેના પગલે ગભરાયેલા ત્રણેય રીઢા આરોપીઓ ભાગ્યા હતા. જેથી, પૂછપરછ કરનાર ત્રણ વ્યક્તિઓએ ચોર..ચોર...ની બૂમો પાડતા જોત જોતામાં અંદાજે ૩૦૦ નું ટોળું ભેગું થઇ ગયું હતું. ટોળાની ચુંગલમાંથી બચીને સાહિલ ભાગી ગયો હતો. જ્યારે ઇકરામા અને શેહબાઝખાન ટોળાના હાથે ઝડપાઇ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ તલવાર,પાઇપ અને લાકડી જેવા હથિયારો વડે બંનેને બેરહેમીથી માર માર્યો હતો. આ અંગેની માહિતી મળતા સિટિ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી ગયો હતો. તેઓએ ટોળામાં અંદર ઘુસીને બંનેને છોડાવ્યા હતા. બંને ઇજાગ્રસ્તની હાલત ગંભીર હતી. તેઓને પોલીસ વાનમાં બેસાડીને તરત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જોકે, શેહબાઝનું મોત થયું હતુ.ં જ્યારે ઇકરામાની હાલત ગંભીર છે. પોલીસે ઇકારામાની ફરિયાદના આધારે ટોળા સામે ગુનો દાખલ કર્યો છે.
આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે પણ ચોર સમજીને યુવક પર હુમલો
યુવક કાકાના ઘરે મળવા ગયો હતો ત્યારે જ તેના પર પાઇપના ફટકા ઝીંક્યા
વડોદરા,પાણીગેટ બાવચાવાડમાં રહેતા ૩૦ વર્ષનો મહેશ કલ્પેશભાઇ રાણા ગઇકાલે રાતે ૧૧ વાગ્યે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે નાથાલાલ શોપિંગ સેન્ટરમાં રહેતા કાકા દિનેશભાઇને હાલમાં ચાલતી ચોરોની અફવા અંગે સતર્ક રહેવાનું જણાવવા ગયો હતો. કાકાના ઘરેથી તે પરત પોતાના ઘરે જતો હતો. તે દરમિયાન ત્રણ થી ચાર હુમલાખોરોએ ચોર સમજીને તેના પર હુમલો કરી માથા તથા પગના ભાગે પાઇપના ફટકા મારી ઇજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતા તેના કાકા દોડી આવ્યા હતા અને હુમલાખોરો ભાગી ગયા હતા. સ્થળ પર ટોળું ભેગું થઇ ગયું હતું. પરંતુ, મહેશના કાકા દિનેશભાઇ ત્યાં જ રહેતા હોઇ ટોળાને સમજાવ્યું હતું. જેના કારણે ગંભીર ઘટના થતા રહી ગઇ હતી.
ત્રણ રીઢા આરોપીઓને બચાવવા
ટોળાની અંદર ઘુસેલા પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલને પણ ઇજા
મોબ લિન્ચીંગ, ચોરીની કોશિશ અને બાઇક ચોરીના ત્રણ ગુના દાખલ
વડોદરા,ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, પોલીસનો સ્ટાફ બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયો હતો. એક પી.એસ.આઇ. અને બે કોન્સ્ટેબલ સૌથી પહેલા પહોંચ્યા હતા. તેઓ ટોળાની વચ્ચે ઘુસીને ઇજાગ્રસ્તોને બહાર લઇ આવ્યા હતા. તેઓને પણ બચાવ કામગીરી દરમિયાન ઇજા થઇ હતી. તેઓને પણ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ ઘટનામાં કુલ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે.(૧) શેહબાઝની હત્યા અને ઇકારામ પર ખૂની હુમલો (૨) આજવા રોડ પરથી બાઇક ચોરી કરવાનો ગુનો તથા (૩) ત્રણેય રીઢા આરોપીઓ સામે ચોરીની કોશિશનો ગુનો. ઉલ્લેખનીય છે કે, નવો કાયદો અમલમાં આવ્યા પછી મોબ લિન્ચીંગની આ પ્રથમ ઘટના છે.
આરોપીઓ વારસિયા વિસ્તારમાં ચોરીના ઇરાદે ગયા હતા. જેથી,તેઓએ અગાઉ અહીંયા રેકી કરી હોઇ શકે. તેઓ કયા ઘરને ટાર્ગેટ બનાવવાના હતા. તે અંગે પોલીસ દ્વારા બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.