સોશ્યલ મીડિયા પર પ્રેમમાં પડેલી યુપી ની મુગ્ધા પ્રેમીને મળવા વડોદરા દોડી આવી,પણ પ્રેમીએ ફોન લીધો જ નહિ
વડોદરાઃ સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ થયા બાદ વડોદરાના યુવકના પ્રેમમાં પડેલી યુપીની સગીરા ઘરછોડીને વડોદરા દોડી આવી હતી.પરંતુ અહીં આવ્યા બાદ તેને પ્રેમીનો વરવો અનુભવ થયો હતો.ફસાઇ ગયેલી સગીરાને અભયમે મદદ કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
યુપીની સગીર વયની કન્યા સોશ્યલ મીડિયાના માધ્યમથી વડોદરાના એક યુવકના પ્રેમમાં પડી હતી.બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને કન્યાએ ઘરછોડીને વડોદરા આવવાની વાત કહેતાં યુવકે સંમતિ પણ આપી હતી.
સગીરાએ કોઇ પણ પ્રકારનો વિચાર કર્યા વગર ઘર છોડી દીધું હતું અને રાતોરાત ટ્રેનમાં વડોદરા આવી ગઇ હતી.તેની પાસે રૃપિયા પણ નહતા અને વગર ટિકિટે આવી તે દરમિયાન કોઇ સ્થળે ચેકિંગમાં પણ પકડાઇ નહતી.
વડોદરા રેલવે સ્ટેશને ઉતર્યા બાદ સગીરાએ તેના પ્રેમીને ફોન કરતાં તેણે ફોન કટ કરી દીધો હતો.ત્યારબાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું અને બ્લોક કરી દીધી હતી.જેથી સગીરા કલાકો સુધી રાહ જોઇને બેસી રહી હતી.આખરે એક સદગૃહસ્થેન શંકા જતાં તેમણે અભયમને જાણ કરી હતી.જેથી ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરતાં તેેના એક સબંધી વડોદરામાં રહેતા હોવાનું જણાવ્યું હતું.જેથી ટીમે સગીરાની માતા નો સંપર્ક કરી વડોદરાના સબંધીને બોલાવી સુરક્ષિત રીતે તેને સોંપી હતી.
ભણવું ગમતું નથી,કામ બાબતે ઘરવાળા લડે છે..એટલે યુવકના કહેવાથી આવી ગઇ
સગીરાએ ભરેલું અવિચારી પગલું તેના માટે કેટલું ઘાતક સાબિત થાય તેમ હતું તે બાબતે તેને સમજ આપવામાં આવી ત્યારે સગીરા આઘાતજનક સ્થિતિમાં મુકાઇ ગઇ હતી.તેણે કહ્યું હતું કે,મને ભણવું ગમતું નથી અને ઘરકામ બાબતે કુટુંબીજનો લડે છે.જેથી મારા ફ્રેન્ડે મને વડોદરા આવી જવા કહેતાં હું વડોદરા આવી હતી.પરંતુ હવે તે મારો સંપર્ક કરતો જ નથી.