ઇન્દ્રોડા પાર્કમાંથી સગીરાનુ વાવોલના યુવાને અપહરણ કર્યું
વસ્ત્રાલથી પિતરાઈ ભાઈ સાથે ફરવા આવી હતી તે સમયે
પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી પરંતુ તેણીનો પતો નહીં લાગતા યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા પાર્કમાં વસ્ત્રાલથી પિતરાઈ ભાઈ સાથે ફરવા આવેલી સગીરાનું વાવોલમાં રહેતા યુવાન દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. જે સંદર્ભે સગીરાની માતા દ્વારા ઇન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને સગીરા અને યુવાનની શોધખોળ શરૃ કરી છે.
છેલ્લા થોડા સમયથી સગીરાઓના અપહરણની ઘટનાઓ વધી રહી છે
ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા પાર્કમાંથી વાલની સગીરાનું અપહરણ થયાની
ઘટના બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના વાલ ખાતે રહેતા પરિવારની ૧૫ વર્ષીય દીકરી તેના પિતરાઈ ભાઈ સાથે ગાંધીનગર
ઇન્દ્રોડા પાર્કમાં ફરવા માટે આવી હતી. આ દરમિયાન વાવોલ ખાતે રહેતો યુવાન
ઇન્દ્રોડા પાર્કમાં આવ્યો હતો અને તે સગીરાને હાથ પકડીને ત્યાંથી લઈ ગયો હતો. જેથી
તેનો પિતરાઈ ભાઈ ગભરાઈ ગયો હતો અને તુરંત જ પરિવારને જાણ કરી હતી. જેનાં પગલે
પરિવારના સભ્યો ગાંધીનગર દોડી આવ્યા હતા અને સગીરા અને આ યુવાનની શોધખોળ શરૃ કરી
હતી પરંતુ તેમનો ક્યાંય પતો નહી લાગતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં યુવાન સામે અપહરણની
ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પણ પ્રકૃતિ ઉદ્યાન અને આસપાસના વિસ્તારના
સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમજ યુવાનના મોબાઇલમાં લોકેશન શોધીને તમને
પકડવા માટે મથામણ કરવામાં આવી રહી છે.