પરપ્રાંતિય યુવકે ઝનૂનમાં મિત્ર પર ચાકૂના ઘા ઝીંકી ગરદન કાપી નાંખી

મૃતકના શરીર પર ચાકૂના ૨૦ થી વધુ ઘા ઝીંકી દીધા : પોલીસે રિકન્સટ્રક્શન કરાવી ચાકૂ કબજે કર્યુ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
પરપ્રાંતિય યુવકે ઝનૂનમાં મિત્ર  પર  ચાકૂના ઘા  ઝીંકી ગરદન કાપી નાંખી 1 - image

વડોદરા,માંજલપુર  સરસ્વતી ચાર રસ્તા પાસેની એક ઓરડીમાં રહેતા પરપ્રાંતિય મિત્રો વચ્ચે કામ બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. બપોરે થયેલી મારામારી પછી મોડી સાંજે ફરીથી મારામારી થઇ હતી. જેમાં મૃતકના શરીર પર ૨૦ થી વધુ ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. માંજલપુર પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે યૂરો કિડ્ઝ સ્કૂલની બાજુમાં આવેલા મકાનના પહેલા માળે ઓરડીમાં રહેતા મૂળ યુ.પી.ના સૈફુલ ઇન્તાજઅલી તથા તજેલ એહમદ ઐનુલઉદ્દીન માંજલપુર વિસ્તારની ગ્લોબલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરમાં  વેઇટર તરીકે કામ કરતા હતા. તેઓની વચ્ચે કામ બાબતે ગઇકાલે બપોરે તકરાર થઇ હતી. બંને વચ્ચે મારામારી થતા તજેલને ઇજા થતા  ગ્લોબલ  હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી. ત્યારબાદ મોડી સાંજે ફરીથી તકરાર થતા ઉશ્કેરાયેલા સૈફુલે ચાકૂના ઉપરાછાપરી ૨૦ થી વધુ ઘા તજેલને ઝીંકી દીધા હતા. સૈફુલે  ગળા પર એટલો જોરદાર ઘા માર્યો હતો કે, તજેલનું ગળું કપાઇ ગયું હતું. તેનું ગળું માત્ર ચામડી પર જ લટકી રહ્યું હતું. સૈફુલે અત્યંત ઝનૂનથી ઘા ઝીંકતા તજેલ ત્યાં જ ઠળી પડયો હતો. અને તેનું મોત થયું હતું. એસીપી પ્રણવ કટારિયાની સૂચના મુજબ, માંજલપુર પી.આઇ. અને સ્ટાફે ભાગવાની કોશિશ કરતા સૈફુલને ઝડપી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

માંજલપુર પોલીસે આરોપી  પાસે સમગ્ર ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. તેમજ  આરોપીએ નજીકમાં ફેંકી દીધેલું ચાકૂ અને હત્યા સમયે પહેરેલા લોહીવાળા કપડા કબજે કર્યા છે.



આરોપી વતન ભાગી જવાની તૈયારીમાં હતો

વડોદરા,મર્ડર કર્યા પછી આરોપી સૈફુલ વતન ભાગી જવાની તૈયારીમાં હતો. માંજલપુર  પોલીસે રેલવે  પોલીસની મદદ લીધી હતી. અને આરોપીને રેલવે સ્ટેશનથી જ ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી પુરાવા એકત્રિત કરવા માટે એફ.એસ.એલ., ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કવોડની પણ મદદ લીધી હતી.


તો તજેલ એહમદ નો જીવ કદાચ બચી જાત...

વડોદરા,તજેલની લાશનું પી.એમ. સયાજી હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતકે સારવાર કરાવી હતી. જેથી, પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બપોરે  પણ બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. મૃતકની સારવાર ગ્લોબલ  હોસ્પિટલમાં જ થઇ હતી. જો તે સમયે જ પોલીસને જાણ કરી દીધી હોત તો રાતે હત્યાના બનાવને અટકાવી શકાયો હોત. પરંતુ, હોસ્પિટલે બપોરે થયેલી મારામારી અને ઇજાની સારવારની જાણ પોલીસને કરી નહતી.


Google NewsGoogle News