ઉંડેરામાં કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારે દારૃ પીવડાવીને મોકલતાં પીધેલાએ સુંદરકાંડમાં બબાલ કરીઃબંનેની ધરપકડ
વડોદરાઃ વડોદરા નજીક ઉંડેરા ગામે ગઇરાતે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે યોજાયેલા સુંદરકાંડ દરમિયાન એક પીધેલાએ બબાલ કરતાં ભારે ઉત્તેજના વ્યાપી હતી. જવાહરનગરપોલીસે પીધેલા અને તેમજ તેને મોકલનાર કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારની ધરપકડ કરી હતી.
ઉંડેરાનો વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ થતાં ગઇકાલે વોર્ડ નંબર-૯ના ભાજપના ચાર કોર્પોરેટરો દ્વારા હનુમાનમંદિરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચારેય કોર્પોરેટરો અને ભક્તો હાજર હતા.
આ દરમિયાન રાતે દસેક વાગે ભક્તો સુંદરકાંડમાં મસ્ત બન્યા હતા ત્યારે એક પીધેલો ધસી આવ્યો હતો અને ગાળાગાળી કરી સુંદરકાંડ બંધ કરવા કહેતો હતો.તેણે માઇક પણ ખેંચીને તોડી નાંખ્યું હતું.જેથી સુંદરકાંડમાં ભંગ પડયો હતો.
પીધેલાએ રામભગવાનનો ફોટો ઉંચકીને ફેંકવાનો પ્રયાસ કરતાં ભાજપના કોર્પોરેટર શ્રીરંગ આયરે અને સુરેખાબેને ફોટો પકડી લીધો હતો.જવાહરનગર પોલીસ આવી જતાં પીધેલાની અટકાયત કરી હતી.પૂછપરછમાં તેનું નામ મહેન્દ્ર અમરસિંહ ચૌહાણ(ગોતરીયા ફળિયું,ઉંડેરા ગામ) હોવાનું ખૂલ્યું હતું.
પીધેલાએ જયેન્દ્ર ઉર્ફે પુનિયા જશભાઇ ચાવડા(પરા વિસ્તાર, ઉંડેરા)એ દારૃ પીવડાવીને ઉશ્કેરણી કરીને સુંદરકાંડ બંધ કરાવવા માટે મોકલ્યો છે તેમ કબૂલતાં પીઆઇ એમ એન શેખે તેની પણ અટકાયત કરી હતી.મળતી માહિતી મુજબ,જયેન્દ્ર યુવા કોંગ્રેસનો પૂર્વ હોદ્દેદાર રહી ચૂક્યો છે.