પુરુષોત્તમ રોય અને વિભોર આનંદ વચ્ચે નીટ પરીક્ષામાં પાસ કરાવવા હોટેલમાં બેઠક યોજાઇ હતી
વડોદરા અને ગોધરાની હોટેલમાં થયેલી બેઠકના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
ગોધરા,નીટ પરીક્ષા-૨૦૨૪ ની પરીક્ષાની શરૃઆત થાય તે પૂર્વે પુરુષોતત્મ રોય અને વિભોર આનંદ વચ્ચે વડોદરાની એક હોટેલમાં બેઠક યોજાઇ હતી, તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. પરીક્ષા સમયે તુષાર ભટ્ટ વપરાશમાં લેતો હતો તે કારમાંથી રોકડા રૃપિયા ઝડપાયા બાદ જલારામ સ્કૂલના પ્રિન્સિપાલે અન્ય બે તુષાર ભટ્ટ અને આરીફ વોરા સાથે ગોધરા પાસેની એક હોટલમાં બેઠક કરી હોવાના ફૂટેજ પણ બહાર આવ્યા છે.
સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સીસીટીવી ફૂટેજમાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રના ભાગરુપે વડોદરા નજીકની હોટેલમાં વડોરાની રોય ઓવરસીઝના પુરુષોત્તમ રોય અન બિહારના વચેટિયા વિભોર આનંદ વચ્ચે પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાની ચર્ચા માટે બેઠકયોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને જરુરી માર્કસ કેવી રીતે અપાવવા તેની યોજના તૈયાર કરી હતી. જે વિદ્યાર્થીઓ તરફતી ચોરીમાં પાસ થવા માટે નાણાં આવ્યા હોય તેવા ફાઇનલ થઇ ગયેલા વિદ્યાર્થીઓના નામની યાદી મુદ્દે પણ બંને વચ્ચે બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઇ હતી. જયારે બીજા મળેલા સીસીટીવી ફૂટેજમાં પરીક્ષા દરમ્યાન પહોંચેલા જિલ્લા શિક્ષણાધિકારીએ ગોધરાના એક વ્યકિતની કાર કે જે કાર તુષાર ભટ્ટે પોતે વડોદરાથી ગોધરા અવર જવર કરવા માટે લીધી હતી, આ કાર નીટ પરીક્ષા સેન્ટર ખાતે પાર્કકરેલી અને તેમાંથી રોકડા સાત લાખ ઝડપી પાડયા હતા.