પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે આજે હાઇકોર્ટના મીડિએશન સેન્ટરમાં બેઠક થશે
બન્ને વરિષ્ઠ સંતો પોતાના વકીલો સાથે હાજર રહેશે અને સમાધાનની ફોર્મ્યુલા પર ચર્ચા કરશે : ચર્ચા નિષ્ફળ જશે તો નિવૃત્ત જ્જ મીડિએટર બનશે
વડોદરા : સોખડા-હરિધામ વિવાદમાં હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ સોમવારે પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામી તેમના વકીલો સાથે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના મીડિએશન સેન્ટરમાં બેઠક કરશે અને આ બેઠકમાં સમાધનની ફોર્મ્યુલા નક્કી થશે.
યોગી ડિવાઇન સોસાયટી અને સોખડા હરિધામના સ્થાપક હરિપ્રસાદ સ્વામી ધામમાં ગયા પછી તુરંત જ કરોડોની સંપતિ અને લાખો હરિભક્તોના પરિવારના ગાદીપતિ કોણ તે બાબતે પ્રેમસ્વરૃપ સ્વામી જૂથ અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં ગત તા.૨૧ એપ્રિલે પ્રબોધ સ્વામી તેમના ટેકેદાર સાધુઓ અને સાધ્વીજીઓ સાથે હરિધામ છોડીને આણંદ નજીક બાકરોલમાં આવેલા આત્મીય વિદ્યાધામ ખાતે સ્થાયી થયા છે, જે બાદ આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં આ વિષય પર અગાઉ સુનાવણી થઇ ચૂકી છે અને હાઇકોર્ટના જજે બન્ને પક્ષોને સમાધાનનો રસ્તો અપનાવવા માટે સૂચન કર્યું છે. સૂચન એવું છે કે તા.૯મી મે સુધીમાં પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામી તથા બન્નેના એક એક વકીલ મળીને ચાર વ્યક્તિઓએ સમાધાન માટે બેઠક કરવી. જો આ બેઠકનું કોઇ પરિણામ નહી આવે તો મુંબઇ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસને મીડિએટર તરીક નિયુક્ત કરાશે, બન્ને જૂથો દ્વારા તા.૯મી મને ે સોમવારે યોજાનાર બેઠક માટે તૈયારીઓ કરી દેવાઈ છે. રવિવારની સાંજ સુધી તો બેઠક ક્યા સ્થળે રાખવી એ બાબતે બન્ને જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જે આખરે હાઇકોર્ટના મીડિએશન સેન્ટરમાં બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોમવારે બપોરે ૧૨ વાગ્યે આ બેઠકનો પ્રારંભ થશે એવુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.