શેરમાર્કેટની એડવર્ટાઇઝ પર ક્લિક કરતાં જ કંપનીના મેનેજર ફસાયાઃ1.24 કરોડ ગુમાવ્યાઃ20 કરોડનો પ્રોફિટ દેખાતો હતો
વડોદરાઃ શેરમાર્કેટને લગતી ઓનલાઇન જાહેરાત પર ક્લિક કરતાં જ એક ગુ્રપમાં જોઇન થયેલા વડોદરાના એક ખાનગી કંપનીના મેનેજરે માત્ર ૪૦ દિવસના ગાળામાં જ રૃ.૧.૨૪ કરોડ ગુમાવી દીધા હોવાનો બનાવ બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
અટલાદરા વિસ્તારમાં આર્યો એમ્પાયરમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા નવીન પ્રકાશે પોલીસને કહ્યું છે કે,એપ્રિલ-૨૦૨૪માં શેરમાર્કેટને લગતી એક એડવર્ટાઇઝ જોઇ મને જાણવાની ઇચ્છા થઇ હતી.જેથી ક્લિક થતાં જેપી એમસીબી ક્લબ જેઓ-૦૪ નામના એક ગુ્રપમાં જોઇન થયો હતો.આ ગુ્રપમાં ૧૨૦ સભ્યો હતા.તેઓ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ અને વળતરના સ્ક્રીનશોર્ટ મૂકતા હતા.
જેથી મેં પણ ગુ્રપ એડમિન સુજેન બિન્ચીનો સંપર્ક કરતાં તેણે મને જે પી માર્ગેન સપોર્ટ એમપીઝેડ નામના ગુ્રપમાં જોઇન કર્યો હતો.આ ગુ્રપમાં એડમિન અને મારા સહિત બે સભ્યો હતા.
મેનેજરે કહ્યું છે કે,આ ગુ્રપમાં મેં ૫૦ હજાર ઇન્વેસ્ટ કરી રૃપિયા ઉપાડતાં મારા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઇ હતી.જેથી મને વિશ્વાસ બેઠો હતો.મેં વારંવાર તેમાં રૃપિયા ઇન્વેસ્ટ કર્યા હતા.જેની સામે મારા એકાઉન્ટમાં સારો એવો પ્રોફિટ દેખાતો હતો.૪૦ દિવસના સમયગાળામાં રૃ.૧.૨૪ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તેની સામે રૃ.૨૦.૦૯ કરોડ બેલેન્સ દેખાતું હતું.પરંતુ આ રકમ ઉપાડવા જતાં ઠગો મને કોઇને કોઇ બહાનું બતાવતા હતા.જેથી મને શંકા જતાં સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
ઠગોની વાતોમાં આવી જઇ માત્ર 13 ટ્રાન્ઝેક્શનમાં જ જંગી ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું
ખાનગી કંપનીના મેનેજરને ઠગોએ તેમની વાતોમાં તેમજ સ્ક્રીન પર નફો બતાવી એવા વિશ્વાસમાં લીધા હતા કે તેમણે ૪૦ દિવસના ગાળામાં માત્ર ૧૩ ટ્રાન્જેક્શનમાં જ રૃ.૧.૨૪ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા.અલગ અલગ બે ટ્રાન્જેક્શનમાં તેમણે રૃ.૨૦-૨૦ લાખ અને બીજા એક ટ્રાન્જેક્શનમાં રૃ.૧૮.૫૦ લાખ એક સાથે ટ્રાન્સફર કરી દીધા હતા.જ્યારે કેટલાક ટ્રાન્જેક્શનમાં રૃ.૩-૫ અને ૧૦ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી.
ઠગોના ગ્રુપ ઉપર 12 દિવસ વોચ પણ રાખી,રૃ 500 ઉપાડી ખાતરી પણ કરી
ઓનલાઇન ઠગાઇના કેસો ખૂબ જ બનતા હોવાથી ખાનગી કંપનીના મેનેજરે ચોકસાઇ રાખી ૧૨૦ સભ્યોના ગુ્રપમાં જોઇન થયા હતા તેમાં મુકાતા સ્ક્રીનશોર્ટ પર ૧૦ થી ૧૨ દિવસ નજર પર રાખી હતી.ત્યારબાદ તેમણે નાની રકમ ઇન્વેસ્ટ કરી રૃપિયા ઉપાડી શકાય છે કે કેમ તે ચકાસવા માટે રૃ.૫૦૦ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી જોતાં આ રકમ ટ્રાન્સફર થઇ હતી.જેથી તેમને વિશ્વાસ બેઠો હતો અને વધુ રકમનું ઇન્વેસ્ટમેન્ટ શરૃ કર્યું હતું.