ફાર્મા કંપનીના મેનેજરે સાળાના નામે કંપની બનાવી ફાર્મા કંપનીના વિદેશના ઓર્ડર ટ્રાન્સફર કરી 2 કરોડનો ચૂનો ચોપડ્યો
વડોદરાઃ વડોદરાના ગેંડા સર્કલ પાસે ઓફિસ ધરાવતી ફાર્મા કંપનીના મેનેજરે તેના સાળાના નામે કંપની ઉભી કરી ફાર્મા કંપનીના વિદેશના ઓર્ડરોનો માલ સપ્લાય કરી રૃ.બે કરોડનો ચૂનો ચોપડતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
એટલાન્ટિસ હાઇટ્સમાં ઓફિસ ધરાવતી સેવોરાઇટ ફાર્મા પ્રા.લિ.ના હાલના મેનેજર અવિષેકદાસ ગુપ્તાએ પોલીસને કહ્યું છે કે,અમારી કંપની વિદેશોમાં ફાર્મા પ્રોડક્ટ્સ સપ્લાય કરવાનું કામ કરે છે.વર્ષ-૨૦૧૩ થી નવેમ્બર-૨૦૨૩ દરમિયાન કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે પ્રદિપ વિશ્વનાથસિંગ (બરોડા સ્કાય,ન્યુ રિફાઇનરી રોડ,ગોરવા) અને લોજિસ્ટિક મેનેજર તરીકે શિવાનંદસિંગ જયરામસિંગ(અનુ સોસાયટી, હેવવોટર કોલોની પાસે,દંતેશ્વર)ફરજ બજાવતા હતા.
જે દરમિયાન પ્રદિપસિંગે લખનૌ,યુપી ખાતે રહેતા તેના સાળા વિજ્યાનંદસિંગ જયરામસિંગના નામે પૂર્વાંચલ ઓવરસીઝ અને વાયબ્રન્ટ હેલ્થકેર નામની કંપની ઉભી કરાવી હતી અને અમારી કંપનીના ઓર્ડરો તેમની કંપનીમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આ અંગે જાણ થતાં એમડીએ તપાસ કરાવી હતી અને તે દરમિયાન પુરાવા મળતાં બંને મેનેજરે લેખિતમાં કબૂલાત કરી હતી.જેથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન અમારી કંપનીને રૃ.બે કરોડનું નુકસાન થયું હોવાનું જણાઇ આવ્યું છે.જેથી ગોરવા પોલીસે બંને મેનેજર અને પ્રદિપના સાળા વિજ્યાનંદ સામે ગુનો નોંધ્યો છે.