મહિલાઓ સાથે મિત્રતા કરી, બળાત્કાર ગુજારી લૂંટ કરનાર શખ્સ ઝડપાયો
અજય ઉર્ફે અનિલ મહિલાઓની હત્યા કરતા પણ અચકાતો ન હતો ઃ થાર ગાડી, બે મોબાઇલ, રોકડ સહિત કુલ રૃા.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા, તા.20 પોર પાસેથી એક મહિલાને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેને બેભાન કરી લૂંટી લેવાની ઘટનાનો ભેદ ઉકેલી જિલ્લા ક્રાઇમ બ્રાંચ દ્વારા અમરેલીના મૂળ વતની પરંતુ હાલ અમદાવાદમાં રહેતા તેમજ એકલી જતી મહિલાઓને ટાર્ગેટ કરી માર મારી, બળાત્કાર ગુજારવા ઉપરાંત હત્યા કરવાની વિકૃત માનસિકતા ધરાવતા શખ્સને ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૩ના રોજ સાંજે પોર જીઆઇડીસીમાંથી નોકરી પરથી છૂંટીને કંડારી ખાતે ઘેર જવા માટે રિક્ષાની રાહ જોઇને ઊભેલી એક મહિલાને મુસાફર તરીકે બેસાડી ચાર શખ્સોએ તેને રિક્ષામાં ઢોર માર મારી બેભાન કરી રોકડ, દાગીના મળી કુલ રૃા.૭૦,૭૦૦ની મત્તાની લૂંટ કરી હોવાની ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ લૂંટના ગુનાની તપાસ માટે એલસીબી દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી હતી.
દરમિયાન કપુરાઇ ચોકડી પાસે એક થાર ગાડી લઇને પસાર થતાં અજય ઉર્ફે અનિલ હિરાભાઇ વાળા (રહે.ન્યુ નકળંગ સો., બાપાસીતારામ ચોક, નવાનરોડા, અમદાવાદ, મૂળ રહે.કડી, તા.બાબરા, જિલ્લો અમરેલી)ને રોકી તેની પૂછપરછ કરતાં થાર ગાડી પોતાની તેમજ આ ગાડી મિત્ર પ્રિયાંક ગજ્જરના નામે ખરીદી હોવાનું જણાવ્યું હતું. તેના નામ સાથે ઇ ગુજકોપ પોર્ટલમાં સર્ચ કરતાં તેની વિરુધ્ધ રાજકોટ ગ્રામ્ય અને શહેર પોલીસમાં હત્યા તેમજ લૂંટના ગંભીર ગુના નોધાયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તેની પૂછપરછ કરતાં પોર પાસે મહિલાની લૂંટનો ભેદ ખૂલ્યો હતો. પોલીસ તપાસમાં અજય ઉર્ફે અનિલે જણાવ્યું હ તું કે ૧૫ દિવસ પહેલાં થાર ગાડી લઇને સુરત તરફ જતો હતો ત્યારે એક બહેને ગાડી ઊભી રાખવા હાથ બતાવ્યો હતો અને તેમને કંડારી સુધી લીફ્ટ આપી હતી. ગાડીમાં એક મોબાઇલ વપરાશ વગરનો પડયો હતો જે મોબાઇલની માંગણી મહિલાએ રૃા.૨ હજારમાં કરી હતી. જે તે સમયે મહિલાને મોબાઇલ વેચાણમાં આપી દીધો હતો અને તે સમયે મહિલાએ જણાવેલ કે હજુ પગાર થયો નથી, રોજ ઘેર જવા માટે પોર બ્રિજ પાસે જ ઊભી રહું છું એક સપ્તાહ બાદ આ બાજુ આવો ત્યારે પૈસા લઇ લેજો તેવી વાત કરી હતી.
તા.૧૩ના રોજ ફરીથી પોર પાસેથી પસાર થતી વખતે મહિલા પાસે પૈસા લેવાનું યાદ આવતાં મહિલાને મળ્યો હતો અને હું સુરત તરફ જતો હોવાથી કંડારી ઉતારી દેવાનું કહી મહિલાને ગાડીમાં બેસાડી હતી. બાદમાં કંડારીના બદલે ગાડી વડોદરા તરફ હંકારી હતી. રસ્તામાં મોબાઇલના પૈસા બાબતે બોલાચાલી થતાં મને ગુસ્સો આવતાં તેને માર માર્યો હતો અને તેની પાસેના રોકડ, મોબાઇલ તેમજ કાનમાં પહેરેલી બુટ્ટીઓ કાઢી લીધી હતી અને બાદમાં દુમાડ ચોકડીની આગળ મહિલાને નીચે ઉતારી અમદાવાદ જતો રહ્યો હતો. પોલીસે તેની પાસેથી થાર ગાડી, બે મોબાઇલ સહિત કુલ રૃા.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.