Get The App

લક્ઝરીમાંથી દેશી બનાવટના ત્રણ તમંચા સાથે યુપીનો શખ્સ ઝડપાયો

Updated: Jun 23rd, 2023


Google NewsGoogle News
લક્ઝરીમાંથી દેશી બનાવટના ત્રણ તમંચા સાથે યુપીનો શખ્સ ઝડપાયો 1 - image


હિંમતનગર-ચિલોડા હાઇવે ઉપર ચંદ્રાલા પાસે

દસ જીવતા કારતૂસ પણ મળી આવ્યાઃતમંચા મંગાવનાર ગારીયાધારના યુવાનને ચિલોડા પોલીસે પકડી લીધો

ગાંધીનગર :  હિંમતગનર-ચિલોડા હાઇવે ઉપર દારૃની હેરાફેરી ખાસ કરવામાં આવે છે ત્યારે હવે આ હાઇવે મારફતે હથિયારોની પણ હેરાફેરી કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા અહીંથી દેશી તમંચા સાથે શખ્સ પકડાયો હતો ત્યારે આજે વધુ એક ઉત્તર પ્રદેશનો યુવાન ત્રણ દેશી તમંચા સાથે પોલીસ પકડમાં આવ્યો છે. જેની પાસેથી દસ જીવતા કારતુસો પણ મળી આવ્યા છે. એટલુ જ નહીં, કારતુસ અને તમંચા મંગાવનાર ગારીયાધારના યુવાનને પણ પોલીસે પકડી પાડયો છે.

ગુજરાતમાં મોટાભાગે રાજસ્થાનથી દારૃ હિંમતનગર ચિલોડા હાઇવે ઉપરથી ઘુસાડવામાં આવે છે જેથી ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચંદ્રાલા ગામ પાસે પોલીસે નાકા પોઇન્ટ બનાવી દિધું છે અને ત્યાં પોલીસ દ્વારા સરકારી અને ખાનગી વાહનોની તપાસ કરવામાં આવે છે. જે દરમ્યાન મોટા પ્રમાણમાં દારૃ અહીંથી પકડાય છે ત્યારે હવે હથિયારોની હેરાફેરી પણ અહીંથી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ અહીંથી દેશી તમંચા સાથે યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે આવી જ રીતે મુસાફરના સ્વાંગમાં હથિયારની હેરાફેરી કરતો વધુ એક શખ્સ પોલીસ પકડમાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ચંદ્રાલા પાસે પોલીસ ખાનગી બસનું ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન જુબેરઅલી આરીફઅલી સૈયદ રહે.મનસત્તાર, જિલ્લો સંભલ ઉત્તર પ્રદેશની ટ્રાવેલીંગ બેગ ચેક કરતા તેમાંથી દેશી બનાવટના ત્રણ તમંચા મળી આવ્યા હતા આ સાથે દસ કારતુસો પણ બેગમાંથી મળી હતી. જેથી આ શખ્સને પોલીસે પકડી લઇને કડકાઇથી પુછપરછ કરી હતી જેમાં આ તમંચા અને કારતુસ તે ગારીયાધારમાં રહેતા નજુભાઇ કનુભાઇ લુણસરે મંગાવી હોવાનું માલુમ પડતા પોલીસે નજુભાઇની પણ ધરપકડ કરી લીધી છે.


Google NewsGoogle News