વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે ડુંગર પર ઝાડમાં લટકતું નર કંકાલ મળી આવ્યું
નર કંકાલ ૨૮ દિવસ પહેલા ગૂમ થયેલા યુવકનું હોવાનું ખૂલ્યું : હત્યા કે પછી આત્મહત્યા ?
વડોદરા,વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામે ડુંગર પર એક ઝાડમાં લટકતી લાશ મળી આવતા ગ્રામજનો દોડી આવ્યા હતા. આ લાશ ૨૮ દિવસ પહેલા ગામમાંથી ગૂમ થયેલા યુવકની હોવાનું ખૂલ્યું હતું. માત્ર હાડકા જ બચ્યા હોવાથી હાડપિંજર પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.
આજે સવારે વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામનો એક પશુપાલક ઢોર ચરાવવા માટે સીમમાં નીકળ્યો હતો. નજીકના ડુંગર પર જતા તેની નજર મોઇનાના ઝાડ પર લટકતી લાશ પર પડી હતી. ગભરાયેલો પશુપાલક ગામમાં દોડી આવ્યો હતો. તેણે પૂર્વ સરપંચને જાણ કરી હતી. ગામમાંથી થોડા દિવસો પહેલા ગૂમ થયો હોઇ પૂર્વ સરપંચે તેના પરિવારને જાણ કરી હતી. ગૂમ થયેલા યુવકના પરિવારજનો ગ્રામજનો તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશ ગળી ગઇ હોવાથી માત્ર હાડપિંજર જ બચ્યું હતું. પરંતુ, તેના કપડા તેમજ પેન્ટના ખિસ્સામાંથી મળેલા પર્સ અને મોબાઇલ ફોનના આધારે તેની ઓળખ થઇ હતી. ગૂમ થનાર યુવક વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામે ગોહિલ ફળિયામાં રહેતો ૨૯ વર્ષનો હરેશકુમાર ચંદ્રસિંહ તડવી હતો. તે વાઘોડિયા જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કલર કામની નોકરી કરતો હતો. તેના લગ્ન થયા નહતા. ગત તા.૧૧ મી એ બપોરે એક વાગ્યે ઘરેથી કોઇને કંઇપણ કહ્યા વિના જતો રહ્યો હતો. જે અંગે તેના પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પરંતુ, તેની શોધખોળ કરવા છતાંય તે મળી આવ્યો નહતો. ત્યારબાદ આજે સવારે તેની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી.ર્પોલીસનું જણાવવું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ તેણે પોતાના શર્ટનો જ ફાંસો બનાવી ઝાડ પર લટકી જઇ જીવન ટૂંકાવી દીધું હતું. તેણે કયા કારણસર જીવન ટૂંકાવી દીધું ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, તેણે આપઘાત કર્યો છે કે પછી તેની ત્યા કરીને લાશ લટકાવી દેવામાં આવી હતી ? તેની જાણ પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.
મૃતકની ઓળખ કન્ફર્મ કરવા ડી.એન.એ. ટેસ્ટ કરાવાયો
વડોદરા,કપડા, મોબાઇલ ફોન અને પર્સ પરથી મૃતક હરેશકુમાર હોવાની ઓળખ પરિવારે કરી હતી. જોકે, ચહેરો ઓળખી શકાય તેવ
ો નહીં હોવાથી ડી.એન.એ.ટેસ્ટ પણ પોલીસે કરાવ્યો છે. ડી.એન.એ. મેચ થયા પછી જ મરનાર વ્યક્તિ હરેશકુમાર હોવાનું કન્ફર્મ થશે.