ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાય તેવી દવાઓનું લિસ્ટ તૈયાર થઇ રહ્યું છે
દવા વેચવા માટે ડ્રગ્સ લાયસન્સ અને ફાર્માસિસ્ટની હાજરી તો અનિવાર્ય જ રહેશે
વડોદરા,શહેરમાં ચાલતા મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી કેટલીક દવાઓના વેચાણને માન્ય કરવા માટે સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. શરદી, તાવ, ઝાડા, માથાનો દુખાવા જેવી બીમારીની દવા મેડિકલ સ્ટોર પરથી ડાયરેક્ટ ગ્રાહક ખરીદી શકશે. જોકે, હાલમાં પણ આ રીતે સામાન્ય બીમારીની દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાઇ રહી છે.
મેડિકલ સ્ટોર ચલાવવા માટે ડીએમસી એક્ટ ૧૯૪૦ હેઠળ ડ્રગ્સનું લાયસન્સ લેવું ફરજીયાત છે. જેમાં નિયમ છે કે, કોઇપણ દવા વેચવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું ફરજીયાત છે. તેમજ મેડિકલ સ્ટોરના સમય દરમિયાન ફાર્માસિસ્ટની હાજરી પણ અનિવાર્ય છે. સમયની સાથે કેટલાક પરિવર્તન પણ દવાના વેચાણમાં આવ્યા છે. સામાન્ય શરદી, ખાંસી, તાવ, માથાનો દુખાવો, ઝાડા, ઉલટી જેવા રોગ માટે કોઇપણ દર્દી ડોક્ટરનો ખર્ચ ટાળવા માટે સીધો મેડિકલ સ્ટોર પર જતો રહેતો હોય છે. મેડિકલ સ્ટોર પર હાજર ફાર્માસિસ્ટ પોતાની સમજ પ્રમાણે તે દર્દીને દવા આપે છે. કેટલાક કિસ્સામાં બલ્ડ પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ દર મહિને ખરીદવા માટે દર્દીઓ સીધા મેડિકલ સ્ટોર પર પહોંચી જતા હોય છે. દર મહિને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લેવા દર્દી જતા નહીં હોવાથી મેડિકલ સ્ટોર પર જઇને સીધા દવા જ લઇ લે છે.
આ બાબતો સરકારને ધ્યાને આવતા સરકાર દ્વારા ઓટીસી ( ઓવર ધ કાઉન્ટર) કમિટી બનાવવામાં આવી છે. જે કમિટી એવી દવાઓનું લિસ્ટ તૈયાર કરી રહી છે કે, જે દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ કાયદેસર રીતે વેચાણ થઇ શકે. આ અંગે વડોદરા ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ કમિટીના નિર્ણય પછી દવાઓના વેપારીઓને રાહત થશે. વડોદરા શહેરમાં અંદાજે ૧,૮૦૦ મેડિકલ સ્ટોર છે. જ્યારે જિલ્લામાં ૪૦૦ રિટેલર છે. પરંતુ, આ કમિટીના નિર્ણય પછી પણ દવાઓ વેચવા માટે ડ્રગ્સ લાયસન્સ તો લેવું જ પડશે અને ફાર્માસિસ્ટની હાજરી પણ ફરજીયાત હોવી જરૃરી છે.
ોે
Tuud
શિડયૂલ એચ માં આવતી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર ના વેચી શકાય
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
દવા વેચાણ અંગેના નવા નિયમો બાબતે ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર રૃપમભાઇ પટેલે જણાવ્યું હતું કે, શિડયૂલ એચમાં આવતી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી. હાલમાં સરકાર દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં એવી કેટલીક દવાઓની યાદી બનાવવામાં આવશે. જેમાં દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાશે. આ લિસ્ટ આવ્યા પછી પણ દવા વેચવા માટે ડ્રગ્સ લાયસન્સ અને ફાર્માસિસ્ટની હાજરી જરૃરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શિડયૂલ એચની દવાઓ માં નાર્કોટિક્સના પ્રતિબંધિત તત્વો હોવાથી ડોક્ટરની સલાહ વિના લેવામાં જોખમી હોય છે.