ખટંબામાં જીવદયાપ્રેમી યુવતીનો ફાંસો ખાઇ આપઘાત બારીમાંથી જોયું તો કૂતરાઓની વચ્ચે યુવતીની લાશ લટકતી હતી
એક મહિના પહેલાં જ રહેવા આવેલી યુવતીના મોત અંગે રહસ્ય ઃ મોબાઇલ એફએસએલમાં મોકલાયો
વડોદરા, તા.26 વડોદરા નજીક ખટંબામાં સરપંચના ઘરની પાછળ બનાવેલી એક ઓરડીમાં રહેતી જીવદયાપ્રેમી યુવતીએ રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇ જીવનલીલા સંકેલતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે ખટંબા ગામના સરપંચ કમલેશભાઇ વાળંદના ઘરની પાછળ બનાવેલી એક ઓરડી તેમણે કૂતરા અને બિલાડીઓની સેવા કરતી ૨૫ વર્ષની યુવતી શર્મિષ્ઠા દિનેશભાઇ તડવીને ભાડે આપી હતી. ગઇરાત્રે શર્મિષ્ઠાની મોટી બહેન સ્નેહલ સુરજભાઇ પટેલનો મહેસાણાથી કમલેશભાઇ પર ફોન આવ્યો હતો કે શર્મિષ્ઠાને એક કલાકથી ફોન કરું છું તે ઉપાડતી નથી અને તેની જેની સાથે સગાઇ કરી તે છોકરા અતુલને ઓરડી પર મોકલતા તેણે જોયું તો દરવાજા બંધ કરી શર્મિષ્ઠા ગળા ફાંસો ખાધેલી હાલતમાં જણાઇ હતી તમે ત્યાં જઇને તપાસ કરો.
સરપંચ તેમજ ગામના અન્ય યુવાનો ઓરડી પર પહોંચ્યા ત્યારે રૃમમાં અનેક કૂતરા અને બિલાડીઓની વચ્ચે ઓઢણીથી પંખા પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં શર્મિષ્ઠાની લાશ લટકતી જોવા મળી હતી. આ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ આવી ગઇ હતી. પોલીસે શર્મિષ્ઠાનો મૃતદેહ નીચે ઉતારી તેને પીએમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે એનજીઓની મદદમાં રહીને પ્રાણીઓની સારવાર કરી પોતે પણ પ્રાણીઓ રાખતી હતી.
છેલ્લા એક માસથી તે વડોદરા શહેરનું ઘર છોડીને ખટંબા ગામ ખાતે રહેવા આવી હતી. પોલીસે તેનો મોબાઇલ કબજે કર્યો હતો અને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે જો કે શર્મિષ્ઠાએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે સસ્પેન્સ છે.