વડોદરા નજીક ચાર દીપડાના મોત થયા હતા,હજી પણ દીપડા દેખાઇ રહ્યા છે,વાઘોડિયામાં બે પશુનું મારણ કર્યું
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ટૂંકાગાળામાં ચાર ચાર દીપડાના મોત નીપજવાના બનાવો બન્યા હોવા છતાં હજી દીપડાની હાજરી દેખાઇ રહી છે.વાઘોડિયા તાલુકામાં પાંચ દિવસમાં દીપડાએ બીજા વાછરડાંનું મારણ કરતાં પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.
વડોદરા જિલ્લામાં કરજણ, સાવલી, વાઘોડિયા અને વડોદરા નજીકના પોર ખાતે ટૂંકા ગાળામાં ચાર દીપડાના મોત થવાના બનાવો બન્યા છે.જેથી વડોદરા નજીકના ગામોમાં હવે હવે દીપડા નહિં દેખાય તેમ લાગતું હતું.
પરંતુ હજી પણ વડોદરાની આસપાસ દીપડાની હાજરી છે અને દીપડા શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા હોવાના બનાવ બનતા હોય છે.ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.આમ છતાં જુદાજુદા વિસ્તારોમાં દીપડા દેખા દેતા હોવાના બનાવ બની રહ્યા છે.
વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે રહેતા પશુપાલક અજીતસિંહ કાલીદાસ ભાઇને ત્યાં માત્ર પાંચ દિવસમાં બીજીવાર દીપડો ત્રાટક્યો હતો.પાંચેક દિવસ પહેલાં દીપડાએ એક વાછરડાંનો શિકાર કર્યો હતો અને ગઇકાલે ફરીથી એક વાછરડાંનો શિકાર કર્યો હતો.જેને પગલે ખેતરે જતા એકલદોકલ ખેડૂતો અને પશુપાલકોમાં ગભરાટ યાથાવત રહ્યો છે.તેમણે ફોરેસ્ટ વિભાગ પાસે પાંજરા ગોઠવવા માંગણી કરી છે.