હરિયાણાથી અમદાવાદ લઇ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો : 43.41 લાખના જથ્થા સાથે ડ્રાઇવરની ધરપકડ
Liquor Smuggling in Gujarat : હરિયાણાથી અમદાવાદ તરફ જતો દારૂનો મોટો જથ્થો ભરેલા એક ટેન્કરને જિલ્લા પોલીસે જરોદ હાઇવે પરથી ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ યુકે UK પાર્સિંગના ટેન્કરમાં દારૂ ભરેલો છે અને ગોધરાથી વડોદરા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે જિલ્લા એલસીબીએ જરોદ હાઇવે પર વોચ ગોઠવી હતી અને ટેન્કર આવતા તેને કોર્ડન કરી રોકવામાં આવ્યું હતુ.
ટેન્કરમાં સવાર ચાલકને નામ પૂછતા દિલબાગસિંહ હરદિપસિંહ ભટ્ટી (રહે. હરીયાણા) હોવાનુ જણાવ્યું હતુ. બાદમાં પોલીસે તેને સાથે રાખી ટેન્કરનુ ઢાકણું ખોલતા વિપુલ માત્રમાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. ડ્રાઇવરની પૂછપરછ કરતા દારૂના જથ્થો ભરેલું ટેન્કર હરિયાણાના સોનુ જાંગડા નામની વ્યક્તિએ રોહતકથી રવાડી જવાના હાઇવે ઉપર આપ્યું હતુ, અને વડોદરા ગોલ્ડન ચોકડી પહોંચતા પહેલા ફોન કરવા માટે જણાવ્યું હતુ. જેથી ગોધરા પાસ કર્યા પછી ફોન કરતા અમદાવાદ ખાતે પહોંચી ફોન કરવાની સુચના આપવામાં આવી હતી.
પોલીસે ટેન્કરમાંથી કૂલ રૂ.33,36,000ના દારૂના જથ્થા સાથે કૂલ રૂ.43,41,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી, ટેન્કર ચાલક દીલબાગસિંહ ભટ્ટીની ધરપકડ કરી દારૂનો જથ્થો મોકલનાર સામે પણ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.