ટ્રકમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
ટ્રકમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો 1 - image


ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા પાસે

પોલીસે બાતમીના આધારે ટ્રકને પકડી ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી ૧૬.૬૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા ગામના પાટીયા પાસે પોલીસે બાતમીના આધારે ટ્રકમાં ચોરખાનું બનાવીને લઈ જવાતા વિદેશી દારૃને ઝડપી લીધો હતો અને તેમાં સવાર ડ્રાઇવર અને ક્લીનરને ઝડપીને ૧૬.૬૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને દારૃ ભરેલા વાહનોને પકડી રહી છે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી આવી રહેલી એક ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને બાતમીવાળી ટ્રક આવતા તેને ઊભી રહેવા ઈશારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેના ચાલકની પૂછપરછ કરતાં તે હરિયાણાના અલ્તાફખાન ઈન્દુખાન સૈયદ અને ક્લીનર ઉત્તર પ્રદેશના દિનેશ પ્રકાશ બાદલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતા પાછળની બાજુએ પ્લાસ્ટિકનો સામાન ભરેલો હતો પરંતુ પોલીસ પાસે દારૃ સંબંધિત પાક્કી બાતમી હોવાથી ટ્રકની તપાસ કરી હતી અને ટ્રકના ડ્રાઇવરની કેબિનમાં સીટ ઉપરના ભાગે ચોરખાનું બનાવેલું હતું જેમાં વિદેશી દારૃની ૨૬૪ જેટલી બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરીને ૧૬.૬૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૃ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તે જાણવા માટે મતામણ શરૃ કરી હતી.


Google NewsGoogle News