ટ્રકમાં ચોરખાનું બનાવી સંતાડીને લઈ જવાતો વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો
છાલા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી
રાજસ્થાનથી આવતા મેઘરજના ડ્રાઈવરે ૫૦ હજારની લાલચમાં દારૃ ટ્રકમાં છુપાવ્યાની કબુલાત ઃ ૧૪.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને બુટલેગરો કીમિયો અપનાવીને કોઈપણ સંજોગોમાં દારૃ ઘુસાડવા માટે મથતા હોય છે ત્યારે ખાસ કરીને ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી ખૂબ જ વધી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે આશાપુરા ઢાબાના પાકગમાં એક ટ્રક પડયો છે જેમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ અહીં પહોંચી હતી અને તપાસ કરતા ડ્રાઇવર કેબીનમાં સુઈ રહ્યો હતો. જેને જગાડતા તેની પૂછપરછ કરી હતી અને તેનું નામ ભાથીભાઈ જવાભાઈ ડામોર રહે ડામોર ઢુંઢા તાલુકો મેઘરજ અરવલ્લી હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસ ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતા કઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી પરંતુ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે ડ્રાઇવરની કડકાઈથી પૂછપરછ કરતા કેબિનમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૃ સંતાડવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. જે પોલીસે તપાસ કરતા દારૃ બિયરની ૨૯૦૪ જેટલી બોટલ મળી આવી હતી. દારૃ અને ટ્રક મળી પોલીસે ૧૪.૭૬ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ડ્રાઇવરે જણાવ્યું હતું કે તે રાજસ્થાનના ભીલવાડા પાસે ડીઝલ પુરાવા ઉભો રહ્યો હતો તે દરમિયાન એક શખ્સ તેની પાસે બાઈક લઈને આવ્યો હતો અને ટ્રકમાં દારૃ ભરી નાના ચિલોડા ઉતારવા માટે ૫૦૦૦૦ રૃપિયા આપવાની વાત કરી હતી જેથી તે તૈયાર થઈ ગયો હતો. હવે આ દારૃ કોને પહોંચાડવાનો હતો તે જાણવા માટે પોલીસ દ્વારા મથામણ શરૃ કરવામાં આવી છે.