ગૃહમંંત્રીના કાર્યક્રમ માટે બાંધેલો મંડપ છોડતા શ્રમજીવીને કરંટ લાગતા મોત

પાઇપ લાઇટના ડીપીની બાજુમાં જંપરને અડકી જતા કરંટ લાગતા નીચે પટકાયો

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ગૃહમંંત્રીના કાર્યક્રમ માટે બાંધેલો મંડપ છોડતા શ્રમજીવીને કરંટ લાગતા મોત 1 - image

 વડોદરા,ત્રણ દિવસ  પહેલા શહેરમાં આવેલા ગૃહમંત્રી માટે આજવારોડ પંડિત દીનદયાળ  હોલમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે રાતે મંડપ છોડતા શ્રમજીવીને કરંટ લાગતા મોત નિપજ્યું છે. જે અંગે બાપોદ પોલીસે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ દાહોદનો અને હાલમાં માંજલપુર  કોતર તલાવડી પાસે રામદેવ નગર -૨ માં રહેતો દિલીપ મનુભાઇ તડવી ( ઉ.વ.૨૦) ફરાસખાનામાં મજૂરી કામ કરે છે. ત્રણ દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રીનો  કાર્યક્રમ આજવારોડ પંડિત દીનદયાળ હોલમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના કારણે તે સ્થળે ફરાસખાનાનો મંડપ બાંધવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂરો થયા પછી ગઇકાલે રાતે ફરાસખાનાના મજૂરો મંડપ છોડતા હતા. તે દરમિયાન લોખંડનો ચોરસ પાઇપ  લાઇટના ડી.પી. પાસે આવેલા જંપરને અડકી  જતા શ્રમજીવી દિલીપને કરંટ લાગ્યો હતો. અને તે સીડી પરથી નીચે પટકાયો હતો. દિલીપને સારવાર માટે જમનાબાઇ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે બાપોદ  પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વિનોદ શ્યામબિહારીએ વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News