Get The App

પાણીના બુસ્ટરમાં કામ કરવા ઉતરેલા શ્રમજીવીને કરંટ લાગતા મોત

કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કરી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
પાણીના બુસ્ટરમાં કામ કરવા ઉતરેલા શ્રમજીવીને કરંટ લાગતા મોત 1 - image

 વડોદરા,ડભોઇ રોડ ગુરૃકુળ ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા તરફ જવાના રોડ પર પાણીના બુસ્ટરમાં કામ કરવા ઉતરેલા શ્રમજીવીને કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે શ્રમજીવીનું મોત થયો  હોવાનો આક્ષેપ કરીને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર  કર્યો હતો.

ડભોઇ રોડ યમુના મિલની બાજુમાં જય નારાયણ નગરમાં રહેતો મિતેશ શૈલેષભાઇ ઠાકોર ડભોઇ વાઘોડિયા રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તાથી પરિવાર ચોકડી તરફ જતા રોડ પર આવેલા પાણીના બુસ્ટરમાં આજે બપોરે કામ કરવા માટે ઉતર્યો હતો. બુસ્ટરમાં છૂટા થયેલા વાયરોના કારણે તેને કરંટ લાગતા દાઝી ગયો હતો. તેને બહાર કાઢી સારવાર માટે માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેની લાશ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. 

મિતેશના ભાઇએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બુસ્ટરમાં મોટરનું વાયરીંગ છૂંટુ હોય છે. આજે સવારે મારો ભાઇ નોકરી પર ગયો હતો. બપોરે કોન્ટ્રાક્ટરે કોલ કરીને કહ્યું હતું કે, તારો ભાઇ ઉઠતો નથી. તું આવી જા. પરંતુ, કોન્ટ્રાક્ટરે મને કહ્યું નહતું કે, તારા ભાઇને કરંટ લાગ્યો છે. ત્યારબાદ હું સ્થળ પર ગયો હતો અને મારા ભાઇને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. 

મારો ભાઇ શ્રી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર રાહુલ રાઠોડ અને વિરેન્દ્ર રાઠોડની ત્યાં કામ કરતો હતો. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મારા ભાઇનું મોત થયું છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ લઇ જઇશું નહીં. મોડી સાંજે પોલીસની સમજાવટ બાદ તેઓ લાશ લઇ ગયા હતા.


કોન્ટ્રાક્ટરે છૂટા વાયરોવાળી મોટર બહાર કાઢી લીધી : મૃતકનો ભાઇ

વડોદરા,મિતેશ ઠાકોરના ભાઇએ  આક્ષેપ કર્યો હતો કે,  કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના કોઇ સાધનો રાખવામાં આવ્યા નહતા. તેમજ જ્યારે હું મારા ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. તે સમય દરમિયાન કોન્ટ્રાક્ટરે બુસ્ટરમાંથી છૂટા વાયરવાળી મોટર બહાર કાઢી લીધી હતી.


Google NewsGoogle News