કલોલમાં પંચામૃત સ્કાયના દસમા માળેથી શ્રમિક પટકાતા મોત નિપજ્યું

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
કલોલમાં પંચામૃત સ્કાયના દસમા માળેથી શ્રમિક પટકાતા મોત નિપજ્યું 1 - image


સેફટી નેટ લગાવેલ ન હોવાનું જણાવતા સ્થાનિકો

કલોલમાં સુરક્ષાના ધારાધોરણોનો ભંગ કરતી કન્સ્ટ્રક્શન સાઈટો મજૂરો માટે જોખમી બની

કલોલ :  કલોલમાં પંચામૃત સ્કાય નામની કન્સ્ટ્રક્શન સાઈટના દસમા માળેથી શ્રમિક પટકાયો હતો. મજુરને ગંભીર ઈજા થતા સારવાર માટે લઇ જવાયો હતો. શ્રમિકને સારવાર માટે લઇ જતા રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે શ્રમિકોમાં શોકની લાગણી વ્યાપી હતી. મૃતકના દેહનું કલોલની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું.

કલોલ શહેર આસપાસ અનેક કન્સ્ટ્રકશન સાઈટ ચાલી રહી છે. સુરક્ષાના નીતિ નિયમોને નેવે મુકીને શ્રમિકો પાસે કામ લેવાઈ રહ્યું છે. જેને પગલે જીવનું જોખમ ઉભું થયું છે. શહેરના પંચવટી વિસ્તારમાં પંચામૃત સ્કાય નામથી રહેણાંક ઈમારત બની રહી છે. શુક્રવારે સવારે શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન દસમાં માળે કામ કરતો બાલુ નંદુભાઈ સોલંકી ઉપરથી નીચે પટકાયો હતો. ગોળ ગોળ ફરીને નીચે પટકાતા તેને ગંભીર ઈજા થઇ હતી. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇ જવાયો હતો. ગંભીર ઈજા થતા બાલુ સોલંકીનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.

કલોલની પંચામૃત સ્કાય સાઈટમાં સુરક્ષાના ધારાધોરણોનું પાલન કરવામાં આવતું નથી.કામદારો સુરક્ષા વગર જ ઉંચાઈ પર કામ કરતા હોય છે. દસમાં માળે કામગીરી ચાલતી હોવા છતાં જાળી ફીટ કરવામાં આવી નહોતી. આસપાસના સ્થાનિકોએ જણાવ્યું હતું કે શ્રમિક નીચે પડી ગયો ત્યારે જાળી લગાવેલી નહોતી. દુર્ઘટના સર્જાયા બાદ તાત્કાલિક ધોરણે જાળી લગાવવામાં આવી હતી. આ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઈટ પર સરકારી ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ કરવું જરૃરી હોય છે. બાંધકામ સાઈટો પર શ્રમિકો તેમજ અન્ય સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે ઇન્સ્પેક્ટર ચેક કરતા હોય છે. આ કિસ્સામાં પંચામૃત સ્કાય સહીતની કલોલમાં ચાલતી કેટલી સાઈટો પર આ રીતના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે તે જાણવું અગત્યનું બન્યું છે. બાંધકામ શ્રમિકોના ઉંચાઈથી પટકાઈને મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે. બિલ્ડરોની ભૂલને પગલે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે.       


Google NewsGoogle News