કુડાસણની શાળાનો વિદ્યાર્થી લાપતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો
ગાંધીનગર શહેર નજીક આવેલા
શાળાએથી હોસ્ટેલ પહોંચવાના બદલે ગુમ થઈ જતા પરિવારજનો ચિંતામાં : તપાસ માટે પોલીસની દોડધામ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક કુડાસણની શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી ગઈકાલે બપોરે શાળાએથી હોસ્ટેલ નહીં પહોંચતા દોડધામ મચી ગઈ છે. આ મામલે દ્વારકામાં રહેતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવતા ઇન્ફોસીટી પોલીસ મથકમાં અપહરણનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે આ વિદ્યાર્થીની શોધખોળ શરૃ કરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સૌરાષ્ટ્રના
દ્વારકા પાસેના ગામમાં રહેતો ૧૨ વર્ષીય વિદ્યાર્થી ગાંધીનગર શહેર નજીક સરગાસણની
હોસ્ટેલમાં રહેતો હતો અને નજીકમાં જ આવેલી શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો.
નિત્યક્રમ મુજબ બપોરે શાળાએથી છૂટીને વિદ્યાર્થી હોસ્ટેલમાં પહોંચતો હતો પરંતુ ગઈકાલે
બે વાગ્યા સુધી તો હોસ્ટેલ ઉપર નહીં પહોંચતા વોર્ડન દ્વારા તેની શોધખોળ કરવામાં
આવી હતી પરંતુ તેનો કોઇ પત્તો નહીં લાગતા આ વિદ્યાર્થીના પિતાને જાણ કરવામાં આવી
હતી. જેથી તેઓ તાત્કાલિક ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને શાળામાં તેમજ તેની સાથે
અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમના પુત્ર બાબતે પૂછપરછ કરી હતી પરંતુ
મોડી રાત સુધી આ વિદ્યાર્થીનો કોઈ પતો લાગ્યો ન હતો. જેના પગલે પિતા દ્વારા આ
મામલે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વિદ્યાર્થીની શોધખોળ માટે ટીમો કામે
લગાડી દેવામાં આવી છે. શાળા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી
રહ્યા છે.