રૃપિયાની લેતી દેતીના મુદ્દે મિત્રના પેટમાં ચાકૂ હુલાવી દીધું

જીવલેણ હુમલો કરનાર આરોપીની ધરપકડ કરતી પોલીસ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
રૃપિયાની લેતી દેતીના મુદ્દે મિત્રના પેટમાં ચાકૂ હુલાવી  દીધું 1 - image

વડોદરા,મિત્રો વચ્ચે નાણાંકીય લેવડ - દેવડ બાબતે તકરાર થતા મારામારી થઇ હતી. એક મિત્રે અન્યને ચાકુ હુલાવી દેતા જીવલેણ ઇજા થઇ હતી. પાણીગેટ  પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયારોડ ઉકાજીના વાડિયામાં ભાથુજી નગરમાં રહેતો રવિ રામચંદ્ર ગાયકવાડ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે.પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૨ મી એ સાંજે સાડા છ વાગ્યે હું મારા મિત્ર ઉમેશ કહારની બાઇક પર બેસીને મારા મિત્ર મિતેશ માળીને મળવા માટે કિશનવાડી ગધેડા માર્કેટ પાસે ગયો હતો. તે સમયે ઉમેશ અને મિતેશ વચ્ચે પૈસા બાબતે તકરાર થઇ  હતી. હું કંઇ પણ બોલ્યો ન હોવા છતાંય મિતેશ ઉર્ફે કચોરી મને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ  હું મારા ઘરે આવી ગયો હતો. ત્યારબાદ મારા મિત્ર અક્ષય તડવી ( રહે. માજી નગર, વાઘોડિયા રોડ) એ મને કોલ કરીને કહ્યું હતું કે, હું ગાંધી કુટિર પાસે ખુલ્લા મેદાનમાં ડી.પી. પાસે ઉભો છું. તું અહીંયા આવ, આપણે બંને ફરવા જઇએ. જેથી, હું મારી રિક્ષા લઇને ગયો હતો. અમે બંને મિત્રો રિક્ષામાં બેસીને ઉકાજીના વાડિયા પાસેથી પસાર થતા હતા. તે સમયે મિતેશ ઉર્ફે કચોરી ત્યાં ઉભો હતો. મેં રિક્ષા ઉભી રાખતા તેણે ઉશ્કેરાઇને મને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. મિતેશે ચપ્પુ કાઢી મને પેટ તથા છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી. હું ભાગીને રિક્ષામાં બેસીને હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. પાણીગેટ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. પી.આઇ.એસ.એ. ગોહિલે  આરોપી મિતેશ ઉર્ફે કચોરી ગોપાલભાઇ માળી ( રહે. શ્રીનાથદિપ સોસાયટી, વાઘોડિયા રોડ)ની ધરપકડ કરી છે.


Google NewsGoogle News