કરજણ એમ.જી.વી.સી.એલ.નો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો
કરજણના ખેડૂતને નવું વીજ કનેક્શન આપવા માટે ૧૦ હજારની લાંચ લીધી
વડોદરા,કરજણના ખેડૂતને નવુ વીજ કનેક્શન આપવા માટે ૧૦ હજારની લાંચ લેતા કરજણ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયરને સુરત એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી રંગેહાથે ઝડપી પાડયો છે.
વડોદરા જિલ્લાના કરજણ ખાતે ખેતની જમીન ધરાવતા ખેડૂતને પોતાની ખેતીલાયક જમીન માટે નવું વીજ કનેક્શન લેવાનું હતું. જેથી, ખેડૂતે કરજણ સબ ડિવિઝન ખાતે અરજી કરી હતી અને નિયત ચાર્જ પણ ભરપાઇ કર્યો હતો. તેમછતાંય વીજ કનેક્શન આપવામાં નહીં આવતા ખેડૂતે કચેરી ખાતે જુનિયર એન્જિનિયરનો સંપર્ક કર્યો હતો. એન્જિનિયરે નવું કનેક્શન આપવા તેમજ ટ્રાન્સફોર્મર મૂકવા માટે ખેડૂત પાસે ૧૦ હજારની માંગણી કરી હતી. ખેડૂત લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી લાંચ રૃશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. સુરત એ.સી.બી.ની ટીમે આજે છટકું ગોઠવ્યું હતું. ખેડૂત સાથે લંાચ બાબતે વાતચીત કરી એન્જિનિયરે પાલેજ હાઇવે પર આવેલ સ્વામિ નારાયણ ફેમિલી રેસ્ટોરન્ટના ગેટની સામે રૃપિયા લેતા સૂચિત ઇશારો થતા એ.સી.બી.ની ટીમે રેડ પાડી જુનિયર એન્જિનિયર જયમીતકુમાર મહેશભાઇ પટેલ ( રહે. કરજણ)ને રંગેહાથે ઝડપી પાડયો હતો.