૪.૨૦ લાખનો વિદેશી દારૃ ભરેલી જીપ પકડાઇ ઃ પાયલોટિંગ કરનાર પણ પકડાયા
હેલમેટના બોક્સમાં સંતાડીને વિદેશી દારૃ લાવતા હતા : બે આરોપી સામે અગાઉ પ્રોહિબીશનના ગુનાઓ
વડોદરા,વિદેશી દારૃ ભરેલી જીપને પાયલોટિંગ કરીને વડોદરામાં લાવવામાં આવતી હતી. માંજલપુર પોલીસે વોચ ગોઠવી જીપ અને પાયલોટિંગ કરતા મોપેડ અને બાઇકના ચાલકને ઝડપી પાડયા હતા. પોલીસે જીપમાંથી ૪.૨૦ લાખનો વિદેશી દારૃનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નામચીન બૂટેલગરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
માંજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, એક જીપ વિદેશી દારૃનો જથ્થો ભરીને વડોદરામાં આવવાની છે. જીપની પાછળ એક બાઇક અને આગળ એક મોપેડ પર પાયલોટિંગ થઇ રહ્યું છે. જેથી, પી.આઇ. એલ.ડી. ગમારાની સૂચના મુજબ, સ્ટાફે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી ત્રણેય વાહનો ઝડપી પાડયા હતા. જીપની નંબર પ્લેટ પર બ્લૂ કલરનો પ્લાસ્ટિકનો કાગળ ચોંટાડેલો હતો. મોપેડની નંબર પ્લેટ હતી. જ્યારે બાઇકની નંબર પ્લેટ નહતી. પોલીસે જીપમાં ચેકિંગ કરતા વિદેશી દારૃની અલગ - અલગ બ્રાન્ડની બોટલો નંગ - ૧,૨૨૪ કિંમત રૃપિયા ૪.૨૦ લાખની કબજે કરી છે. જ્યારે ત્રણ વાહનો, મોબાઇલ ફોન અને હેલમેટ મળીને કુલ રૃપિયા૧૦.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દારૃની હેરાફેરીમાં સંડોવાયેલા (૧) નરેશ ઉદારામ ચૌધરી ( રહે. ગામ રામપુરા થાના,જિ.સાંચોર, રાજસ્થાન) (૨) પરેશ જીતેન્દ્રભાઇ પટેલ (રહે. હિંમત નગર સોસાયટી, તરસાલી બાયપાસ પાસે, તરસાલી) તથા (૩) મુકેશ નારાયણદાસ માખીજા ( રહે. મંગલા માળવેડ સોસાયટી, તરસાલી)ને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે સુશેન વિસ્તારમાં રહેતા વિજય મયંકસિંહ રાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પરેશ પટેલ તથા મુકેશ માખીજા વિરૃદ્ધ અગાઉ પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયા છે.