પ્રેમમાં પડેલા આધેડ પતિને પત્ની અને પુત્રીએ રંગે હાથ ઝડપી પાઠ ભણાવ્યો
વડોદરાઃ પ્રેમમાં પડેલા આધેડ પતિને પત્ની અને પુત્રીએ ભેગા મળીને પાઠ ભણાવ્યો હતો. રંગેહાથ પકડાયેલા પિતાએ માફી માંગી લેતાં સમાધાન થયું હતું.
આધેડવયના પતિને પત્ની અને યુવાન પુત્રી હોવા છતાં એક મહિલાના પ્રેમમાં પડયા હતા અને સોશ્યલ મીડિયા પર તેની સાથે સતત સંપર્કમાં રહેતા હતા.જેની જાણ થતાં પત્ની અને પુત્રીએ વિરોધ કરતાં પતિએ ઝઘડો કરી મારપીટ કરવા માંડી હતી.
એક તબક્કે આધેડ પ્રેમીએ તેના પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેમ કહી પ્રેમસબંધની વાતનો સતત ઇનકાર કરતા હતા.ત્યારે બીજીતરફ ગઇકાલે સવારે પતિએ પ્રેમિકાને મેસેજ કરતાં પત્નીએ રંગેહાથ પકડયા હતા.પતિ ઓફિસે જતાં પત્નીએ ટેક્સ મેસેજના નંબર પર કોલ કર્યા હતા.પરંતુ કોઇ જવાબ મળ્યો નહતો.સાંજે પતિ ઘેર આવતાં પત્ની પર તૂટી પડયા હતા.જેથી પુત્રી બચાવવા જતાં તેને પણ માર માર્યો હતો અને કોલેજ છોડાવવાની ધમકી આપી હતી.
આખરે માતા-પુત્રી એ અભયમની મદદ લેતાં તેમણે પ્રેમમાં પડેલા આધેડનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેણે ભૂલ કબૂલી માફી માંગતા પોલીસ કાર્યવાહી પડતી મુકાઇ હતી.