ભાયલીની હોસ્પિટલના ઓફિસ બોયે દેવું ચૂકવવા લૂંટનું તરકટ રચ્યું,હોસ્પિટલની રકમ ચૂકવી દીધી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
ભાયલીની  હોસ્પિટલના ઓફિસ  બોયે દેવું ચૂકવવા લૂંટનું તરકટ રચ્યું,હોસ્પિટલની રકમ ચૂકવી દીધી 1 - image

વડોદરાઃ ભાયલીની ખાનગી હોસ્પિટલના એક ઓફિસ  બોયે દેવું ચૂકતે કરવા માટે લૂંટનું તરકટ કરી હોસ્પિટલની બેન્કમાં  ભરવાની રકમ ચૂકવી દેતાં તેનો  ભાંડો ફૂટી ગયો હતો.

ભાયલીની સમન્વય હોસ્પિટલના ડાયરેક્ટર ચિંતન બ્રહ્મભટ્ટે પોલીસને કહ્યું છે કે,ઓફિસ બોય દેવરાજ સાધુ આજે બપોરે રૃ.૨.૩૯ લાખ બેન્કમાં ભરવા માટે નીકળ્યો હતો.પરંતુ થોડીવારમાં તે પરત આવ્યો હતો અને નાયરા પેટ્રોલ પંપ પાસે બે બાઇક પર આવેલા  બે લૂંટારાએ લૂંટી લીધો હોવાનું કહી ઝપાઝપી કરી બચાવી લીધેલા રૃ.૬૯ હજાર પરત કર્યા હતા.

ઓફિસ બોયની વાતો શંકા ઉપજાવે તેમ હોવાથી ગોત્રી પોલીસને જાણ કરી હતી.પોલીસે દેવરાજની આકરી પૂછપરછ કરતાં તે પડી ભાંગ્યો હતો અને બે મહિના પહેલાં તીર્થ પટેલ નામના મિત્રના માધ્યમથી ગૌરવ સિંઘ  પાસે લીધેલા રૃ.બે લાખમાંથી બાકી રહેલા રૃ.૧.૭૦ લાખ માટે વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હોવાથી લૂંટનું તરકટ કર્યું હોવાની કબૂલાત કરી હતી.

આ માટે તેણે તીર્થ પટેલને હોસ્પિટલના બેઝમેન્ટમાં બોલાવ્યો હતો.તેની સાથે ગૌરવ સિંઘ પણ કાર લઇને આવ્યો હતો.બેઝમેન્ટમાં હોસ્પિટલની રકમમાંથી રૃ.૧.૭૦ લાખ કાઢીને ગૌરવસિંઘને ચૂકવ્યા હતા.ગોત્રી પોલીસે આ અંગે દેવરાજ પંકજકુમાર સાધુ(સુંદરવન સોસાયટી,અભિલાષા કેનાલરોડ) તેમજ તેને મદદગારી કરનારા તીર્થ જયેશ  પટેલ(સોહમ હાઇટ્સ,દશરથ) અને ગૌરવ સિંઘ(જયપુર) સામે ગુનો નોંધ્યો છે.

 બનાવનું સ્થળ  અને બુકાનીધારીએ ગન  બતાવી હોવાની વાત પોલીસને ગળે ના ઉતરી

ઓફિસ બોયે જે રીતે લૂંટની થીયરી બનાવી હતી તે પ્રથમ દ્ષ્ટિએ જ પોલીસને ગળે ઉતરે તેમ નહતી.

હોસ્પિટલના ઓફિસ બોય દેવરાજ સાધુએ બેન્કમાં  ભરવાની રકમમાંથી રૃ.૧.૭૦ લાખની રકમ લૂંટાઇ ગઇ હોવાની અને રૃ.૬૯ હજાર જેટલી રકમ ઝપાઝપી કરીને બચાવી લીધી હોવાની થીયરી બનાવી હતી.આ માટે તેણે નાયરા પેટ્રોલપંપ  પાસે જઇ શર્ટના બટનો તોડયા હતા અન બૂમો પાડી હતી.

જો કે ઓફિસ બોયે જે સ્થળ  બતાવ્યું ત્યાં અવરજવર ઉપરાંત કેમેરા પણ હતા.આ ઉપરાંત બાઇક પર બુકાનીધારી બે લૂંટારા બપોરે ગન લઇને લૂંટ કરી જાય અને ગન હોવા છતાં ઓફિસ બોય ઝપાઝપી કરીને રકમ  બચાવી લે તે વાત પણ પોલીસને શંકા ઉપજાવે તેમ હતી.જેથી પોલીસે તપાસ કરતાં કોઇ પુરાવા મળ્યા નહતા અને આકરી પૂછપરછમાં ઓફિસ  બોય ભાંગી પડયો હતો.ગોત્રીના પીએસઆઇ મિત્તલ મનાત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.


Google NewsGoogle News