Get The App

વડોદરાઃઓરસંગ નદીમાં મગર સાથે ટ્રીપલ ફાઇટ, ઢોરને છોડાવવા મગર સાથે બાથ ભીડનાર પતિને પત્નીએ છોડાવ્યો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
વડોદરાઃઓરસંગ નદીમાં મગર સાથે ટ્રીપલ ફાઇટ, ઢોરને છોડાવવા મગર સાથે બાથ ભીડનાર પતિને પત્નીએ છોડાવ્યો 1 - image

વડોદરાઃ વડોદરા નજીક ડભોઇ તાલુકામાં નદીમાં મગરોની વસ્તી વધી જતાં ગ્રામજનો માટે જોખમ વધ્યંપ છે.ઓરસંગ નદીમાં ગઇ સાંજે મગર સાથે ટ્રીપલ ફાઇટનો બનાવ બનતાં એક દંપતીનો આબાદ બચાવ થયો હતો.

યાત્રાધામ ચાંદોદ પાસે આવેલા જૂના માંડવા ખાતે બનેલા બનાવની વિગત એવી છે કે,૫૫ વર્ષીય વયના ભગવાનસિંહ બળવંતભાઇ અંબાલિયા ગઇકાલે સાંજે તેમના ઢોરોને પાણી પીવડાવવા માટે ઓરસંગ નદી તરફ ગયા હતા ત્યારે એક ઢોરને મગર ખેચી ગયો હતો.

ઢોરને બચાવવા માટે ભગવાનસિંહ એક ક્ષણનો વિચાર કર્યા વગર નદીમાં કૂદી પડયા હતા.આ વખતે બીજો એક મગર ધસી આવ્યો હતો અને ભગવાનસિંહના પગ પર તરાપ મારી તેમને પાણીમાં ખેંચી ગયો હતો.

ભગવાનસિંહે બચવા માટે ઝપાઝપી કરી હતી અને તે જ વખતે કિનારે ઉભેલી તેમના પત્ની મીનાબેન ડાંગ લઇ પાણીમાં ઉતર્યા હતા અને મગર પર ડાંગો ઝીંકવા માંડયા હતા.બીજા પણ ગ્રામજનો મદદમાં દોડી આવતાં મગર ભગવાનસિંહને છોડી ફરાર થઇ ગયો હતો.ઇજાગ્રસ્ત ભગવાનસિંહને સારવાર માટે ડભોઇ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં લવાયા છે.

વડોદરાઃઓરસંગ નદીમાં મગર સાથે ટ્રીપલ ફાઇટ, ઢોરને છોડાવવા મગર સાથે બાથ ભીડનાર પતિને પત્નીએ છોડાવ્યો 2 - imageજૂના માંડવા પાસે ઓરસંગમાં ફોરેસ્ટ વિભાગને 6 મગરો દેખાયા

જૂના માંડવા પાસે ગઇકાલે સાંજે મગરે કરેલા હુમલાના બનાવ બાદ ડભોઇ ફોરેસ્ટ વિભાગની ટીમ બનાવના સ્થળે દોડી ગઇ હતી.આરએફઓ કલ્યાણીબેન ચૌધરીએ કહ્યું હતું કે,જૂના માંડવા ગામે મગર દ્વારા હુમલો કરવાના બનેલા બનાવની જાણ થતાં અમે સ્થળની મુલાકાત લીધી હતી.આ વખતે નદીમાં છ મગરો દેખાયા હતા.પ્રથમ દ્ષ્ટિએ આ સ્થળે મગરનું આખું પરિવાર હોય તેમ લાગી રહ્યું છે.લોકોએ આવા સ્થળે સાવચેતી રાખવી જરૃરી છે.ઇજાગ્રસ્ત ભગવાનસિંહ પણ સારવાર લઇ રહ્યા છે.

ડભોઇના  ફૂલવાડી ગામે પણ ઓરસંગમાં  મગરો,યુવકનો શિકાર કર્યો હતો

ડભોઇ તાલુકાના ફૂલવાડી ગામે પણ ઓરસંગ નદીમાં મગરોનો વસવાટ હોવાને કારણે ગ્રામજનો માટે જોખમ સર્જાયું છે.દસેક દિવસ પહેલાં ચાર યુવકો નાહવા પડયા ત્યારે મેહુલ ભરવાડ નામના બોટાદના એક યુવકને મગર ખેંચી ગયો હતો.જેથી તેને બચાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.પરંતુ બચાવ કામગીરી દરમિયાન પાંચ થી છ મહાકાય મગરો નજરે પડતાં કામગીરી પડતી મુકાઇ હતી.ત્યારબાદ બીજે દિવસે સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.


Google NewsGoogle News