Get The App

વિદ્યાર્થિનીનું સ્નેપ ચેટ એકાઉન્ટ હેક કરી મિત્ર પાસે પૈસાની માંગણી કરતો હેકર

ફોટા અને વીડિયો વાયરલ ના કરવા હોય અને એકાઉન્ટનો વધારે યૂઝ અટકાવવા માટે પૈસાની માંગણી

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થિનીનું સ્નેપ ચેટ એકાઉન્ટ હેક કરી મિત્ર પાસે પૈસાની માંગણી કરતો હેકર 1 - image

 વડોદરા,વિદ્યાર્થિનીનું અનયૂઝ્ડ સ્નેપ ચેટ એકાઉન્ટ હેક કરીને તેના  પરથી વિદ્યાર્થિનીના મિત્રને ફોટા મોકલી પૈસાની માંગણી કરતા યુવકને સાયબર સેલની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરની એક વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયામાં સ્નેપ ચેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેના સ્નેપ ચેટ પરથી તેના જ મિત્રને વિદ્યાર્થિનીના ફોટા અને વીડિયો મોકલવામાં આવ્યા હતા. જે અંગે મિત્રે વિદ્યાર્થિનીને જાણ કરી હતી. વિદ્યાર્થિની આ વાત સાંભળીને ચોંકી ઉઠી હતી કારણકે તે ઘણા લાંબા સમયથી સ્નેપ ચેટનો ઉપયોગ કરતી નહતી. જેથી, વિદ્યાર્થિનીની મિત્રે આરોપીને મેસેજ કર્યો કે, આ એકાઉન્ટ તો અનયૂઝ્ડ છે. તે વિદ્યાર્થિનીનું એકાઉન્ટ હેક કર્યુ છે. જેથી,  હેકરે ધમકી આપી હતી કે,  વિદ્યાર્થિનીના ફોટા અને વીડિયો વાયરલ કરવા ના હોય તો પૈસા આપવા પડશે. જેથી, વિદ્યાર્થિનીએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. સાયબર સેલે ટેકનિકલ સોર્સથી જે મોબાઇલ નંબર પરથી સ્નેપ ચેટનો ઉપયોગ થતો હતો. તે નંબર મેળવી તેના આધારે આરોપી  હેકરને શોધી કાઢ્યો હતો. પોલીસે આરોપી  અમરજીત રામભરન પટેલ ( રહે. વૃંદાવન સોસાયટી, મકરપુરા) ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા તે જામીન પર મુક્ત થઇ ગયો હતો. અમરજીત મૂળ યુ.પી.નો છે. પરંતુ, ઘણા વર્ષોથી તે વડોદરમાં સ્થાયી થયો છે. તેણે બી.કોમ.ના  પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. અમરજીતે અન્ય કેટલા મિત્રોને ફોટા અને વીડિયો મોકલી પૈસાની માંગણી કરી છે  તેમજ કેટલા લોકો  પાસેથી પૈસા પડાવી લીધા છે ? તે અંગે પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે. તે ઉપરાંત અમરજીતે અન્ય કેટલી યુવતીઓના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક કર્યા છે ? તે અંગે પોલીસે અમરજીતની વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News