સયાજીના સુપ્રિન્ટેન્ડન્ટનું ફેક ફેસબૂક એકાઉન્ટ હેકરે બનાવ્યું
ફેસબૂક પર મિત્રો પાસે પૈસાની માંગણી કરતો મેસેજ આવતા જાણ થઇ
વડોદરા,સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના ફેસબૂક એકાઉન્ટ પર પૈસાની માંગણી કરતા મેસેજ આવતા તેમના એક મિત્રે ફોન કરીને જાણ કરી હતી. ફેક એકાઉન્ટ બન્યું હોવાનું જણાતા છેવટે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સાયબર સેલમાં જાણ કરવામાં આવી હતી.
ગઇકાલે મોડી રાતે સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના એક મિત્રે કોલ કરીને કહ્યું કે, તમારૃં ફેક ફેસબૂક એકાઉન્ટ બન્યું હોવાનું લાગે છે. તમારા પ્રોફાઇલ ફોટોનો ઉપયોગ કરી બનાવેલા એકાઉન્ટ પરથી મારે પૈસાની જરૃરિયાત છે. તેવા મેસેજ આવ્યા છે. ફેક એકાઉન્ટ બન્યું હોવાનું જણાતા ડો. રંજન ઐયર દ્વારા સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ ફેસબૂકને પણ જાણ કરી હતી કે, મારા પ્રોફાઇલ ફોટોનો ઉપયોગ કરીને કોઇએ ફેક એકાઉન્ટ બનાવ્યું છે.
ડો. રંજન ઐયરને સંખ્યાબંધ મિત્રોના ફોન આવ્યા હતા. પરંતુ, આ રીતે ફેક એકાઉન્ટ પર પૈસાની માંગણી કરતા મેસેજ આવતા હોવાથી કોઇએ પૈસા ટ્રાન્સફર કર્યા નહતા.