મહારાષ્ટ્રમાં ચોરીઓ કરી આતંક મચાવનાર રીઢો આરોપી ઝડપાયો
વડોદરામાં મોબાઇલ શોપમાંથી ૬.૫૧ લાખની ચોરી કરી હતી : મુંબઇના બારમાંથી ૫૫ લાખ રોકડાની ચોરી કરી હતી
વડોદરા,મુંબઇના બારમાંથી પંચાવન લાખ રોકડા અને દાગીનાની ચોરી કરનાર આરોપીએ મુજમહુડા રોડની મોબાઇલ શોપમાંથી પણ ચોરી કરી હતી. ડીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડયો છે. આરોપી સામે મહારાષ્ટ્રમાં ચોરીના ૫૦ ગુનાનો નોંધાયા છે.
મુજમહુડા રોડ પર આવેલી ધ ફોન શોપ નામની દુકાનમાં ગત તા.૨૯ મી માર્ચે મોબાઇલ ફોન, ડી.વી.આર. મળીને કુલ રૃપિયા ૬.૫૧ લાખની ચોરી થઇ હતી. જે અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ડીસીબી પોલીસે આ અંગે તપાસ શરૃ કરતા જાણવા મળ્યું હતું કે, એક આરોપી નંબર વગરના સફેદ કલરના મોપેડ પર આવીને ચોરી કરી ગયો હતો. જેથી, પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન નોવિનો - તરસાલી રોડ પર પોલીસને જોઇને આરોપી નાસવા જતા પોલીસે પીછો કરીને તેને ઝડપી લીધો હતો. આરોપી રામનિવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા ( રહે.રામ નગર, ખડે ગોલાવાલી ગામ, જિ.થાણે, મહારાષ્ટ્ર મૂળ રહે. યુ.પી.) ને ઝડપી લીધો હતો. પોલીસને મોપેડની ડીકીમાંથી બે મોબાઇલ ફોન અને રોકડા ૭,૮૯૦ ની મતા કબજે કરી હતી. તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ પોલીસને મળી આવ્યા હતા. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, આરોપી છેલ્લા ૧૪ વર્ષથી ચોરીઓ કરે છે. તેણે મહારાષ્ટ્રના મુંબઇ, રાયગઢ, થાણે અને પૂના જિલ્લામાં મકાનો તેમજ દુકાનો મળી કુલ ૫૦ સ્થળે ચોરી કરી છે. તેમજ પાંચ મહિના અગાઉ મુંબઇના નાલાસોપારા ખાતે વાઇન શોપ અને બારમાંથી પપ લાખથી વધુ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. મહારાષ્ટ્રના અહમદ નગર ખાતે મોબાઇલ શોપમાંથી રોકડા ૬૯ હજારની ચોરી કરી હતી. સુરતના કાપોદ્રા ખાતે મોબાઇલ શોપમાંથી ૨૯ લાખથી વધુના મોબાઇલ ફોનની ચોરી કરી હતી. અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં મોબાઇલ શોપમાંથી તેમજ વડોદરાના અકોટાની મોબાઇલ શોપમાંથી ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી રોકડા, મોપેડ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૃપિયા ૮૮,૪૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.