Get The App

મહીસાગર કાંઠાના તરવૈયાઓની અનોખી સેવાઃ જાનના જોખમે 150 જિંદગી બચાવી,400 મૃતદેહ શોધી આપ્યા

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
મહીસાગર કાંઠાના તરવૈયાઓની અનોખી સેવાઃ જાનના જોખમે 150 જિંદગી બચાવી,400 મૃતદેહ શોધી આપ્યા 1 - image

વડોદરાઃ પોતાનો જીવ જોખમમાં મૂકી બીજાની જિંગદી  બચાવવાનું સાહસિક અને નિસ્વાર્થ કાર્ય કરતા મહીસાગર કાંઠા વિસ્તારના તરવૈયાઓનું કાર્ય જોતાં હજી પણ માનવતા મરી પરવારી નથી તેમ દેખાઇ આવે છે.

વડોદરા નજીક ફાજલપુર,કોટણા, અનગઢ જેવા સ્થળોએ રહેતા અને નદીના કાંઠે યોજાતા મેળા,ગણેશ વિસર્જન,દશામાના વિસર્જન જેવા કાર્યક્રમો દરમિયાન પોલીસ તેમજ ફાયર  બ્રિગેડની જેમ સ્વૈચ્છિક ફરજ બજાવતા તરવૈયાના એક ગુ્રપમાં ૨૦થી ૫૫ વર્ષ સુધીની વયના આશરે ૨૩ જેટલા લોકો સામેલ છે.

આ પૈકીના મોટાભાગના તરવૈયાઓ નદી કાંઠે નાનકડી રેસ્ટોરાં,ખાણી-પીણીના સ્ટોલ, પ્રસાદના સ્ટોલ કે નાવડી ચલાવી ગુજરાન કરી રહ્યા છે.લગભગ આખો દિવસ તેઓ નદી ના પટ વિસ્તારમાં હાજર હોય છે.

આ દરમિયાન તેમની નજર ૨૦૦ મીટર દૂર આવેલા ફાજલપુર બ્રિજ તેમજ તેની આસપાસ પણ રહેતી હોય છે.કોઇ પણ વ્યક્તિ સ્યુસાઇડ કરે કે પાણીના પ્રવાહમાં મૃતદેહ તરતો દેખાય તો તેઓ સહેજ પણ વિચાર કર્યા વગર જાન જોખમમાં મૂકી નદીમાં પડતું મૂકી જીવ  બચાવવાનો પ્રયાસ કરતા હોય છે.

નંદેસરી પોલીસ સ્ટેશનના ફ્રેન્ડ ઓફ પોલીસ લાલજીભાઇના કહ્યા પ્રમાણે,વર્ષોથી સ્વૈચ્છિક બચાવ સેવા કરતા તરવૈયાઓએ અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ લોકોના જીવ બચાવી લીધા છે.જ્યારે,૪૦૦ જેટલા મૃતદેહો બહાર કાઢી આપ્યા છે.

તરવૈયાઓની કામગીરીની નંદેસરી પોલીસે કદર કરી,સન્માન કર્યું

મહીસાગરને કાંઠે માનવ સેવા કરતા તરવૈયાઓના એક ગુ્રપની કામગીરીની આજે નંદેસરી પોલીસે કદર કરતાં તેઓ આનંદિત થઇ ગયા હતા.

તરવૈયાઓની કામગીરી અંગે એસીપી ડી જે ચાવડા અને નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઇ સ્વપ્નિલ પંડયાને જાણ થતાં તેમણે ડીસીપી,એડિશનલ કમિશનર અને પોલીસ કમિશનર સમક્ષ વાત મૂકી હતી.તેમની મંજૂરી મળતાં આજે તરવૈયાઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ વખતે તરવૈયાઓએ તેમની પાસે સાધનો હોય તો કામગીરી કરવામાં સરળતા રહે તેવી રજૂઆત કરતાં એસીપીએ તેમને સ્ટ્રેચર ફાળવી આપ્યું હતું.આ ઉપરાંત પંચાયત દ્વારા દોરડાં અને બચાવના બીજા સાધનોની ફાળવણી કરાઇ છે.

મહીસાગર કાંઠાના તરવૈયાઓની અનોખી સેવાઃ જાનના જોખમે 150 જિંદગી બચાવી,400 મૃતદેહ શોધી આપ્યા 2 - imageમહીસાગરના તરવૈયાઓની રાજસ્થાન સુધી બોલબાલા

વારસાગત ટ્રેનિંગ મળી છે, નિષ્ણાંત  પાસે શીખ્યા નથી

મહીસાગર અને નર્મદા કિનારાઓ પર સંખ્યાબંધ તરવૈયાઓ એવા છે કે જેમણે કોઇ પણ જાતની ટ્રેનિંગ નથી લીધી છતાં તેમણે સેંકડો લોકોના જીવ બચાવ્યા છે.

આ પૈકીના ફાજલપુર ખાતે મહીસાગર નદીમાં  બચાવ કામગીરી કરતા તરવૈયાઓના ગુ્રપની રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર હતી ત્યારે આવેલા  પુરમાં મદદ લેવામાં આવી હતી.જ્યારે,વેરા ખાડી,કોટણા જેવા સ્થળોએ પણ ડૂબેલા લોકોને શોધવા માટે તેમની મદદ લેવામાં આવી હતી.

તરવૈયાઓનું કહેવું છે કે,અમે કોઇ નિષ્ણાંત પાસે શીખ્યા નથી.પરંતુ આ ટ્રેનિંગ અમોને વારસાગત મળી છે.અમારા વડીલોએ પણ આવા કાર્યો કર્યા હતા.

 રમેશ અને તેના બે પુત્રો કોહવાયેલા કે કપાયેલા મૃતદેહોની સેવામાં માહેર

મહીસાગર ફાજલપુર વિસ્તારમાં મૃતદેહોની સેવા માટે રમેશભાઇ અને તેના પરિવારજનોનું નામ પણ ચર્ચામાં રહેતું હોય છે.

ફાજલપુરમાં રહેતા રમેશભાઇ મંગળભાઇ તેમના બે પુત્રો ઉપરાંત ભત્રીજા સહિતના પરિવારના સભ્યો હંમેશા સેવા માટે તૈયાર  હોય છે.ખાસ કરીને કોહવાઇ ને વિકૃત થઇ ગયેલા કે ટ્રેનની નીચે કપાઇ ગયા હોય તેવા મૃતદેહો માટે પોલીસ કે કોઇ પણ વ્યક્તિ મદદ માંગે તો આ પરિવાર બીજા કામ છોડીને સેવા માટે દોડી આવે છે.

લોકો દુર્ગંધ મારતા મૃતદેહોથી દૂર રહેતા હોય ત્યારે આ પરિવારના સદસ્યો આસાનીથી મૃતદેહના અંગોને એકત્રિત કરી બાંધવાના અને એમ્બ્યુલન્સમાં મુકવા સુધીની સેવા કરતા હોય છે.આવી જ રીતે નાવિક ગોપાલ ભાઇ કોટવાલ અને તેના પરિવારના સભ્યો કોઇ પણ વ્યક્તિ ડૂબે તો ઉંડે સુધી ડૂબકી મારી ડૂબનારને શોધવાની અને મૃતદેહો કાઢવા જેવી સેવા કરતા હોય છે.


Google NewsGoogle News