ટૂર એજન્ટ સાથે ભાગીને લગ્ન કરનાર યુવતી પર લગ્નના એક મહિનામાં જ ત્રાસ,બળાત્કાર ગુજારી જીવલેણ હુમલો
સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય પણ આચરતો હતો,ઇજાગ્રસ્ત પત્નીને હોસ્પિટલમાં દાખલ કરી પતિ ફરાર
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં એક ટ્રાવેલ એજન્ટ સાથે ભાગીને લગ્ન કરનાર યુવતીને એક મહિનામાં જ ભારે ત્રાસ વેઠવાનો વખત આવ્યો છે.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી યુવતીની ફરિયાદને આધારે સમા પોલીસે પતિ સામે બળાત્કાર અને જીવલેણ હુમલાનો ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,સમા વિસ્તારમાં રહેતો યુવક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કામ કરે છે અને એક ટૂર દરમિયાન યુવતી સાથે પરિચય થયો હતો.બંને વચ્ચે પ્રેમ થતાં એકાદ મહિના પહેલાં જ બંનેએ ભાગી જઇ લગ્ન કર્યા હતા.
પરંતુ થોડા જ દિવસોમાં યુવતીને પતિનો વરવો અનુભવ થયો હતો.યુવતીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજારતા યુવકે તેને અસહ્ય મારપીટ કરી તેના ગુપ્ત ભાગે પણ ઇજા પહોંચાડી હતી.આ ઉપરાંત તેની સાથે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય પણ આચરતો હતો. જેથી યુવતી આઘાતજનક સ્થિતિમાં મુકાઇ ગઇ હતી.
આ યુવકે ફરી એક વાર યુવતીને ઢોર માર મારી પોતે જ હોસ્પિટલમાં દાખલ કરીને ફરાર થઇ જતાં યુવતીએ સમા પોલીસની મદદ લીધી હતી.ડીસીપી પન્ના મોમાયાએ આ અંગે સમા પીઆઇ એમ બી રાઠોડને તપાસ કરવાની સૂચના આપતાં પોલીસે બળાત્કાર અને જીવલેણ હુમલાનો ગુનો નોંધી ફરાર થઇ ગયેલા પતિની શોધખોળ હાથ ધરી છે.