લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીને ભાઇ અને પિતા કારમાં ઉઠાવી ગયા
પોલીસે લોકેશનના આધારે યુવતીને હેમખેમ મુક્ત કરાવી
વડોદરા,પ્રેમી યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીના પિતા તથા ભાઇ અને અન્ય સગાઓ બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરીને લઇ ગયા હતા. વારસિયા પોલીસ ગણતરીના કલાકોમાં અપહૃતને હેમખેમ મુક્ત કરાવી હતી.
વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કાલીદાસભાઇએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પૌત્રને તેની સાથે અભ્યાસ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અને તેઓએ ગત તા.૦૯-૦૬-૨૦૨૩ ના રોજ લિવ ઇન રિલેશનશિપ કરાર કર્યો હતો. કરાર કર્યા પછી યુવતી મારા પૌત્રની સાથે જ રહેતી હતી.યુવતીના પિતા દરબાર જ્ઞાાતિના હતા. તેઓએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરી હતી. તેમજ હાઇકોર્ટમાં પણ રિટ દાખલ કરી હતી. પરંતુ, યુવતીએ અદાલતમાં પણ મારા પૌત્રની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા કોર્ટે તે મુજબનો હુકમ કર્યો હતો. ગઇકાલે સવારે યુવતીના પિતા,માતા, ભાઇ તથા અન્ય સગાઓ આવ્યા હતા. તેઓ યુવતીનો હાથ પકડી બળજબરીથી લઇ જતા હતા. જેથી,અમે બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ અમારી સાથે ધક્કા મુક્કી કરી હતી. તેઓે યુવતીને ગાડીમાં બેસાડી જતા રહ્યા હતા. આરોપીઓ કહેલા હુમલામાં મારી પૂત્રવધુને ઇજા થઇ હતી.
આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એસીપી એમ.પી.ભોજાણીએ અપહરણકારોનું લોકેશન મેળવી અપહૃત યુવતીને હેમખેમ મુક્ત કરાવી હતી.