વિશ્વામિત્રીના પૂર ઓસરતાં વડસરમાં 12 ફૂટના મહાકાય મગરનું કંકાલ મળ્યું
વડોદરાઃ વિશ્વામિત્રી નદીના પૂર ઓસરતાં વડસરમાંથી એક મહાકાય મગરનું કંકાલ મળી આવ્યું છે.જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટા પ્રમાણમાં વસવાટ હોય છે અને પૂર આવતાં મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાના વારંવાર બનાવો બની રહ્યા છે.મગરોના મૃતદેહ મળવાના પણ કેટલાક કિસ્સા બન્યા છે.જેમાં વધુ એક બનાવ ઉમેરાયો છે.
વડસર નજીક કોટેશ્વર મહાદેવ મંદિરની પાછળ પૂરના પાણી ઓસરી જતાં માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ફેલાઇ હતી.જેથી જીવદયા કાર્યકર જયેશભાઇ અને કાર્યકરો ત્યાં પહોંચતા એક મહાકાય મગરનું કંકાલ નજરે પડયું હતું.મગરની લંબાઇ ૧૨ ફુટ જેટલી હતી અને બોડી ડીકંપોઝ થઇ ગઇ હતી.
જેથી જીવદયા કાર્યકરોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં તેમણે ત્યાંજ ફોરેન્સિક વિભાગની ટીમોને બોલાવી હતી અને મગરની અંતિમક્રિયા માટે તજવીજ કરી હતી.