વડોદરાની કંપનીએ વિદેશ મોકલેલા કન્ટેનરના સીલ તોડી 4કરોડનો માલ વગે કરનાર ગેંગ પકડાઇ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
વડોદરાની કંપનીએ વિદેશ મોકલેલા કન્ટેનરના સીલ તોડી 4કરોડનો માલ વગે કરનાર ગેંગ પકડાઇ 1 - image

વડોદરાઃ વડોદરાના પાદરારોડ  પર આવેલી ખાનગી કંપનીમાંથી વિદેશ સપ્લાય કરવામાં આવેલા એલ્યુમિનિયમના પાર્ટ્સના કન્ટેનરના સીલ તોડી રૃ.૪ કરોડ ઉપરાંતના સાધનોની ચોરી કરવાના કૌભાંડમાં પોલીસે કન્ટેનરના ડ્રાઇવર સહિત ત્રણને ઝડપી રૃ.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બીલ રોડ પર આવેલી બાન્કો કંપની દ્વારા ગઇ તા.૨૪મી જુલાઇએ જર્મનીમાં ત્રણ અને નેધરલેન્ડમાં ચાર કન્ટેનર મોકલવામાં આવ્યા હતા.આ કન્ટેનરમાં ઇન્ડસ્ટ્રિઝને લગતા એલ્યુમિનિયમના પાર્ટસ હતા.જે હજીરા પોર્ટ પરથી સપ્લાય કરવાના હતા.પરંતુ આ કન્ટેનરોમાં સાધનો કાઢી લેવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ રેતીની થેલીઓ મૂકી દેવામાં આવી હતી.

વડોદરા પોલીસે રિન્કુ મહારાજદીન, કન્ટેનરના ડ્રાઇવર અનુપસિંહ,સંતચરણ, ચદ્રભાન અને ગોવિંદ યાદવ સામે ગુનો નોંધી સેફટ્રાન્સ નામની ટ્રાન્સપોર્ટના ડ્રાઇવર અનુપ સિંહ ગયાપ્રસાદ સિંહ (શિવ ચરણ પૂર્વા, અયોધ્યા,યુપી) તેમજ ચોરેલા માલ માટે કંપનીઓનો સંપર્ક કરાવનાર કેયૂર હેમંત આસોદરીયા(શ્યામ વિલા રો હાઉસ, સરથાણા નાકા,સુરત) અને ચોરીનો માલ વેચવામાં સપ્લાયરની ભૂમિકા ભજવનાર વિજય પરસોત્તમ કોરાટ(સામનાથ કોમ્પ્લેક્સ, હીરાબાગ,સુરત)ની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં પીપલોદ નજીક ભાડે રાખેલા ગોડાઉનમાં કન્ટેનરના સીલ તોડી માલ સગેવગે કરી રેતીની થેલીઓ ભરી હોવાની વિગતો ખૂલી છે.આ ગેંગનું અંકલેશ્વર,ભરૃચ અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નેટવર્ક હોવાની આશંકા સેવાઇ રહી છે.


Google NewsGoogle News