વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે લગ્નના બહાને ઠગ ટોળકીએ રોકડા અને દાગીના પડાવી લીધા
image : Socialmedia
Marriage Fraud Vadodara : વડોદરા નજીકના વેમાલી ગામે રહેતા ટ્રાન્સપોર્ટર મેરેજ માટે કન્યા શોધતા હતા. તે કામ વડોદરા અને અમદાવાદના બે મેરેજ બ્યુરો સંચાલકે સંભાળી મહારાષ્ટ્રની કન્યા બતાવી હતી. અને બંને મેરેજ સંચાલકો તેમજ કન્યાના માતા પિતાને રકમ આપવી પડશે તેમ કહી ઓનલાઈન તેમજ રોકડા મળી રૂપિયા પાંચ લાખ પડાવ્યા હતા. બાદ કન્યા વેમાલી આવી ન હોવાથી છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મંજુસર પોલીસમાં નોંધાવી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ વેમાલી ગામના ટ્રાન્સપોર્ટર વિજય કદમે મંજુસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ લગ્ન માટે કન્યા શોધી રહ્યા ત્યારે તેમનો પરિચય શહેરના ઉમા ચાર રસ્તા પાસે આવેલા શ્રીનાથજી બ્યુરોના સંચાલક સેજલ જોશી સાથે થયો હતો. તેમણે સારી કન્યા બતાવવા માટે વાત કરી હતી. અને અમદાવાદના મેરેજ બ્યુરો સંચાલક કિરીટ ઉર્ફે કિરણ અરજણ ઝાલા સાથે પરિચય કરાવ્યો હતો. બંને ભેગા મળી મહારાષ્ટ્ર ઓરંગાબાદ ના સંજય નગરમાં રહેતા જયનાથ બોરડે અને કુસુમ જયનાથ બોરડેની દીકરી દિશા સાથે મુલાકાત કરાવી હતી. બાદ 16 એપ્રિલના રોજ બપોરે ત્રણ વાગ્યે લગ્ન કરાવ્યા હતા. જે ખોટા હતા. આ લગ્ન પેટે બંને પાંચ લાખ રૂપિયા લીધા હતા. તેમાંથી રૂ.2,72,500 કિરીટભાઈના, સેજલબેનના અને પ્રીતિબેન જયનાથ બોરડેના અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. અને બાકીના રૂ.2,27,500 રોકડા કિરીટ તથા સેજલબેનને આપ્યા હતા. તે બાદ દિશા વેમાલી રહેવા માટે આવી ન હોવાથી પાંચ લાખ રૂપિયામાં વિજયભાઈને નવડાવ્યો હોવાથી છેતરપિંડીની ફરિયાદ પાંચે વ્યક્તિ સામે કરી હતી.