વડોદરાની દુમાડ પાસેની સોસાયટીમાં ચોર ટોળકી ત્રાટકી : બે ઘરોમાં 4.91 લાખની ચોરી
image : Freepik
Theft Case in Vadodara : વડોદરા નજીક આવેલ દુમાડ ગામ પાસે મારુતિવિલા સોસાયટીમાં ચાર ચોરોએ ત્રાટકી હાહાકાર મચાવ્યો હતો. બે ઘરોમાંથી સોના ચાંદીના દાગીના સહિત 4.91 લાખ રૂપિયાની મત્તા ચોર ટોળકી ઉઠાવી ગઈ હતી.
મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં લીલાપુર ગામના વતની પરંતુ હાલ મારુતિવિલા સોસાયટીમાં રહેતા વિમલ જગદીશભાઈ ડોબરીયાએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું છેલ્લા આઠ વર્ષથી મંજુસર જીઆઇડીસીમાં લેઝર કટ સ્ટીલ વર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરું છું. તારીખ 26 ના રોજ ગોત્રી ખાતે રહેતા મારા સાઢુભાઈ મહેશ ચંદુભાઈ ભુવાના ઘરે મહેમાનગતિ માટે ગયા હતા અને તારીખ 28 ના રોજ સવારે પાડોશીનો ફોન આવ્યો કે ઘરના પાછળના દરવાજાનું લોક તુટેલ છે. ઘરમાં ચોરી થઈ હોવાનું જણાય છે ત્યારબાદ હું ઘેર આવ્યો હતો. ત્યારે બેડરૂમનો સામાન વેરવિખેર હતો અને ડબલ બેડની નીચે બનાવેલા ચાર ખાના ખુલ્લા હતા આ ખાનામાંથી રોકડ, સોના ચાંદીના દાગીના સહિત 2.79 લાખની મત્તા ચોરી થઈ હતી.
દરમિયાન મારી પાડોશમાં રહેતા જોગીનદર સિંહ કરમસિંહના મકાનના પાછળના દરવાજાનું પણ લોક તોડી ચોરો અંદર પ્રવેશ્યા હતા અને બેડરૂમની તિજોરી તોડી અંદરના ખાનાનું પણ લોક તોડીને દાગીના રોકડ મળી 2.12 લાખની મત્તા ચોરી કરી હતી.