કારમાંથી નવા કાઢી જુના ફીટ કરતી સાઇલેન્સર ચોર ટોળકીનો તરખાટ
ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં
રાંધેજા અને સેક્ટર-૨૯માંથી એક જ રાત્રિમાં બે કારમાં ચોરીની ઘટના ઃ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
પાટનગર ગાંધીનગર શહેરમાં આમ તો શિયાળાની ઠંડી દરમિયાન બંધ
મકાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય થતી હોય છે અને અલગ અલગ સેક્ટરોમાં ઘરફોડ
ચોરીના બનાવો પણ બહાર આવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગયેલી
સાઇલેન્સર ચોરીની ઘટનાઓ ફરી પ્રકાશમાં આવી છે. ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯માં આવેલી
અમન પાર્ક સોસાયટીમાં રહેતા સમીરમહંમદ રફીકભાઈ પટેલ દ્વારા તેમના ઘર આગળ ઇકો કાર
પાર્ક કરવામાં આવી હતી અને આ કારમાંથી તસ્કરો નવું સાઇલેન્સર ચોરીને જૂનું ફીટ
કરીને પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે કારમાંથી ઘોંઘાટ આવતા તપાસ કરાવી હતી તો
ઓરીજનલ સાઇલેન્સર ચોરાયું હોવાનું જણાયું હતું. જે સંદર્ભે ૪૦ હજારના સાઇલેન્સર
ચોરીની સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
બીજી બાજુ ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રકાશકુમાર ભીખાભાઈ નાયકની કારમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી અને તેમની કારમાંથી નવું સાઇલેન્સર ચોરીને જૂનું ફીટ કરી દેવામાં આવ્યુ હતું. જે અંગે પણ તેમણે તપાસ કરાવતા તસ્કરો નવું સાઇલેન્સર ચોરી ગયાનું બહાર આવ્યું હતું આ અંગે પેથાપુર પોલીસ મથકમાં ૧૫ હજારના સાઇલેન્સરની ચોરીની ફરિયાદ કરી હતી.ગાંધીનગર શહેરમાં ફરીથી સાઇલેન્સર ચોરી જતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે ત્યારે પોલીસે યોગ્ય પેટ્રોલિંગ કરવાની જરૃરિયાત લાગી રહી છે.