કોસ્ટમેટિક કંપનીમાં ચડ્ડી બનિયનધારી ટોળકી ત્રાટકી : રૃપિયા 22 લાખ રોકડા ઉઠાવી ગઇ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
કોસ્ટમેટિક કંપનીમાં ચડ્ડી બનિયનધારી ટોળકી ત્રાટકી : રૃપિયા 22 લાખ રોકડા ઉઠાવી ગઇ 1 - image


દહેગામ તાલુકાના મોટા જલુન્દ્રા ગામની સીમમાં ગેંગનો આતંક 

પાંચ જ મિનિટમાં ગેંગ કળા કરી ગઇ : સીસીટીવી ફૂટજના આધારે પોલીસ દ્વારા ગેંગને પકડવા માટે ચક્રગતિમાન કરાયાં

દહેગામ :  ગાંધીનગરના દહેગામ તાલુકાના જલુન્દ્રા ગામની સીમમાં ચડ્ડી બનિયનધારી ગેંગે કોસ્ટમેટીક પ્રોડક્ટની કંપનીમાં આતંક મચાવ્યો છે. જલુન્દ્રા ગામની સીમમાં કોસ્ટમેટીક પ્રોડક્ટની કંપનીમાં ઘૂસી જઈ કંપનીમાં ટેબલનું લોક તોડી ૨૨ લાખ રોકડા ચોરીને ફરાર થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે ગેંગનું પગેરૃ શોધવા ચારે તરફ દોડધામ કરી મુકી છે.

 ગાંધીનગરના દહેગામના જલુન્દ્રા ગામની સીમમાં રાતના સમયે ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દહેગામના મોટા જલુન્દ્રા ગામની સીમમાં કોસ્ટમેટીક પ્રોડક્ટની કંપનીમાં ચડ્ડી બનિયનધારી ગેંગનો આતંક જોવા મળ્યો છે. માત્ર પાંચ મિનિટમાં જ ૨૨ લાખ ભરેલી બેગ ચોરીને ફરાર થઇ ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ નરોડા રીંગ રોડ સર્કલ પાસે નંદનબાગ ફાર્મ હાઉસમાં રહેતાં પંકજભાઇ હંસરાજભાઈ ભાનુશાલી મોટા જલુન્દ્રા ગામની સીમ ખાતે ઝી-હાઇજીન પ્રોડક્ટસ નામે કાસ્ટમેટીક પ્રોડક્ટની કંપની ચલાવે છે. આ કંપનીમાં ૩૫ માણસો કામ કરે છે. કંપનીમાં કામનો વધુ લોડ હોવાથી કોઈક દિવસ રાતના ૮ થી સવારનાં ૮ વાગ્યા સુધી કામ ચાલુ રાખી તેલ, સેમ્યુ, ક્રિમ, લોસન વિગેરે પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે. એ રીતે ગત તા. ૧૧ જુલાઈની રાત્રી દરમિયાન પણ કંપનીમાં ચોવીસ કલાક ચાલુ હતી. જો કે ૧૧ મી જુલાઈએ પંકજભાઈના પિતાની આંખના મોતિયાનું ઓપરેશન હોવાથી તેઓ કંપનીમાં ગયા ન હતા. ત્યારે સવારના સમયે સિક્યોરિટી ગાર્ડે ફોન કરીને ચોર આવ્યાની જાણ કરતાં પંકજભાઈ કંપનીએ દોડી ગયા હતા. જ્યાં પહેલા માળે આવેલ તેમની ઓફીસમા ટેબલના ખાના ખુલ્લા હતા અને ખાનામાંનો સામાન વેર વિખેર હાલતમાં પડેલ હતો. જયારે ટેબલના ખાનામાં જોતા કાપડાના થેલામાં તેમજ એક કાપડની થેલીમાં મૂકેલ કુલ ૨૨ લાખ ૮ હજાર ૯૩૦ રૃપિયા રોકડા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.

 સીસીટીવી ચેક કરતાં માત્ર પાંચેક મિનિટના ગાળામાં ગેંગે ચોરીને અંજામ આપતા પંકજભાઇએ પોલીસને જાણ કરી હતી. જેનાં પગલે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News