વાવાઝોડા બાદ કલાકો સુધી પણ લાઇટો નહી આવતાં અકોટા સબ ડિવિઝન કચેરી બહાર ૫૦ સોસાયટીના ૧૦૦૦ રહિશોનો મોરચો
રાત્રે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં એમજીવીસીએલ દ્વારા પ્રશ્ન સોલ્વ કરવાના બદલે પોલીસ બોલાવાઇ
વડોદરા, તા.13 વડોદરા શહેરમાં આજે સમી સાંજે ૮૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને પગલે શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો ડૂલ થઇ ગઇ હતી. અકોટા સબ ડિવિઝનમાં આવતી આશરે ૫૦ જેટલી સોસાયટીઓમાં મોડી રાત્રિ સુધી લાઇટો નહી આવતાં ૧૦૦૦થી વધુ લોકોનું ટોળું સબ ડિવિઝન કચેરી પર ઘસી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે અકોટા સબ ડિવિઝનમાં આવતી આ સોસાયટીઓમાં લાઇટો ડૂલ થવાનો પ્રશ્ન વારંવાર સર્જાતો હોય છે તેમ છતાં એમજીવીસીએલ દ્વારા કોઇ કાયમી નિરાકરણ આવતું નથી. આજે વાવાઝોડું શરૃ થતાંની સાથે જ તમામ સોસાયટીઓમાં વિજળી ડૂલ થઇ ગઇ હતી. અકોટા સબ ડિવિઝનમાં આવતા મોટાભાગના ફીડરો આવા સમયે કામ કરતાં બંધ થઇ ગયા હતાં અને લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.
લાઇટો ડૂલ થયા બાદ સ્થાનિક રહિશો દ્વારા સબ ડિવિઝન પર ફોનનો મારો ચલાવ્યો હતો પરંતુ ફોન નો રિપ્લાય આવે અથવા યોગ્ય જવાબ નહી મળતાં મોડી રાત્રે સોસાયટીના અનેક લોકો સબ ડિવિઝનની કચેરી પર જ ઉમટી પડયા હતાં. ફીડરો પડી ગયા છે તેવી ફરિયાદો કરવા છતાં કોઇ સાંભળવા વાળું ન હતું તેવા આક્ષેપો લોકોએ કર્યા હતાં. મોટી સંખ્યામાં રહિશો એકત્ર થઇ જતાં સબ ડિવિઝન કચેરી દ્વારા પોલીસને પણ બોલાવવી પડી હતી.
કચેરીની બહાર એકત્ર થયેલા એમજીવીજીએલના ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે આ કચેરીના નાયબ એન્જિનિયર દ્વારા ફીડરો અથવા ટીસીમાં ધ્યાન અપાતું જ નથી, મેન્ટેનન્સ પણ બરાબર થતું નથી અને તેના કારણે હજારો લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ફીડરો પડી ગયા છતાં તેની મરામત નહી કરાતા લોકોને અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે.
રહિશોએ જણાવ્યું હતું કે સમગ્ર વડોદરામાં લાઇટો આવી ગઇ છે પરંતુ અકોટા સબ ડિવિઝનમાં આ કાયમનો પ્રશ્ન રહેતો હોય છે. છાસવારે લાઇટો જતી રહે તો સાંભળવાવાળું કોઇ હોતું નથી.