છાણીના ખેતરમાં થયેલી હત્યાનો ભેદ ખૂલ્યો, 50,000 માટે મિત્રએ જ મિત્રને પતાવી દીધો

ગળામાં ઘા ઝીંકી હત્યા કરવામાં ઝાકીર શેખ,તેના પુત્ર હનિફ અને હનિફના મિત્ર અયાજની અટકાયત

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
છાણીના ખેતરમાં થયેલી હત્યાનો ભેદ ખૂલ્યો, 50,000 માટે મિત્રએ જ મિત્રને પતાવી દીધો 1 - image

વડોદરાઃ હાથીખાના વિસ્તારમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે તકરાર થતાં એક મિત્રએ રૃપિયા નહિં ચૂકવવા માટે બીજા મિત્રની હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો.છાણી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હાથીખાનાના મોહંમદ ઝાકીર,તેના પુત્ર અને તેના પુત્રના મિત્રને ઝડપી પાડયા છે.

છાણી ગુરુદ્વારા સામેના રસ્તેથી કરોડિયા તરફ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આજે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી.બનાવના સ્થળે ડીસીપી જૂલી કોઠિયા અને તેમજ એસીપી ડીજે ચાવડા સહિતના અધિકારીઓ દોડી ગયા હતા.મરનારના ગળે ઉંડો ઘા,બાજુમાં લોહીનું ખાબોચિયું અને  ચપ્પુ મળી આવ્યા હતા.

દરમિયાનમાં  હાથીખાના ગેંડાફળિયામાં રહેતા મોહંમદ રફિક શેખે છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં મળેલી લાશ તેના ભાઇ મો.હનિફની હોવાનું જણાવ્યું હતું. તેના ભાઇ હનિફે નજીકમાં રહેતા મિત્ર મો.ઝાકીર નિઝામુદ્દીન શેખને રૃ.૫૦ હજાર જેટલી રકમ ઉછીની આપી હોવાથી તેની ઉઘરાણીના મુદ્દે બંને વચ્ચે ઝઘડા થતા હતા.

એસીપી એ કહ્યું હતું કે,મરનારને રૃપિયા આપવા ના પડે તે માટે હનિફની હત્યા કરવામાં આવી હતી.છાણીના ખેતરમાં ગઇરાતે ઝાકીરનો પુત્ર હુસેન અને તેની સાથે નોકરી કરતો અયાઝ પહોંચ્યા હતા.ત્યારબાદ ઝાકીરે હનિફને બોલાવ્યો હતો.પહેલાં બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ બે જણાએ હનિફને પકડી રાખી ત્રીજાએ હનિફના ગળે ચાકુનો ઘા ઝીંક્યો હતો.જેથી તેનું સ્થળ પર જ મોત થયું હતું.પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

હત્યા કર્યા બાદ હનિફની ત્રણ વીંટી અને ચેઇનની લૂંટ

છાણીના ખેતરમાં થયેલી હત્યાના બનાવમાં મરનારના દાગીનાની પણ લૂંટ થઇ હોવાની વિગતો ખૂલતાં પોલીસે ખૂનની સાથે લૂંટની પણ કલમો ઉમેરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,હનિફ શેખની હત્યાના બનાવની ફરિયાદ નોંધાવનાર તેના ભાઇ રફિક શેખે કહ્યું છે કે,મારા ભાઇએ હાથમાં પહેરેલી અંદાજે રૃ.૩૦ હજારની કિંમતની સોનાની ત્રણ વીંટી અને રૃ.૫૦ હજારની ચેન લૂંટી લેવામાં આવી છે.જેથી પોલીસે દાગીના કબજે કરવા માટે તજવીજ હાથ ધરી છે.

હત્યા કર્યા બાદ મૃતદેહને માટીમાં ઢાંકી દેવાનો પ્રયાસ

હાથીખાનાના હનિફ શેખની હત્યા કર્યા બાદ ત્રણેય હત્યારાએ તેના મૃતદેહને કોઇ જુએ નહિં તે માટે માટીના ઢગલા નીચે દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.સવારે ખેતરનો માલિક આતિશ અમીન આવતાં તેણે મૃતદેહ જોયો હતો અને પોલીસને જાણ કરી હતી.

હનિફ ગૂમ થતાં તેનો ભાઇ ઝાકીરને ઘેર પહોંચ્યો,ઝાકીરે ફોન બંધ કરી દીધો

હનિફ ગૂમ થતાં તેની બહેને સવારે હનિફના ભાઇ રફિકને જાણ કરી હતી.જેથી હનિફને શોધવા માટે નીકળેલો રફિક સીધો ઝાકીરને ત્યાં પહોંચ્યો હતો.ઝાકીરની પત્નીએ તેનો પતિ કામે ગયો છે તેમ કહેતાં રફિકે તેને ફોન કર્યો હતો.પરંતુ ઝાકીરે ઉપાડયો નહતો. ત્યારબાદ વારંવાર ફોન કરતાં ઝાકીરે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.જેથી તેના પ્રત્યે શંકા વધુ મજબૂત બની હતી.


Google NewsGoogle News