કુરીયરની ફેક વેબસાઇટ મૂકી વડોદરાના ફાર્માસિસ્ટ પાસે 3 લાખ પડાવનાર બંગાળનો ઠગ પકડાયો
કસ્ટમર સર્વિસ પોઇન્ટ ચલાવી અંતરિયાળ ગામોમાં બેન્કિંગ અને ઓટીએમની સુવિધાનું કામ કરતો હતો
Uu
વડોદરાઃ બ્લુડાર્ટની ફેક કસ્ટમર સાઇટ બનાવી વડોદરાના ફાર્માસિસ્ટ પાસે ફોર્મ ભરાવીને રૃ.૩ લાખ પડાવી લેનાર ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના એક આરોપીને વડોદરા સાયબર સેલે બંગાળથી ઝડપી પાડયો છે.
ગોરવાના વૃન્દાવનપાર્કમાં રહેતા અને કોર્પોરેશનમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા રાકેશભાઇ મોદીને ડિસેમ્બર-૨૦૨૩માં યુએસમાં એક કવર મોકલવાનું હોવાથી તેમણે બ્લુ ડાર્ટની સાઇટ તપાસી હતી.જેના કસ્ટમર કેર પર સંપર્ક કરતાં ઠગોએ તેમને બુકિંગ ફોર્મ ભરાવી રૃ.૫ જમા કરાવ્યા હતા.બીજે દિવસે માણસ આવીને કવર અને રૃ.૭૦૦ લઇ જશે તેમ કહી તેમણે ફોન મૂકી દીધો હતો.
બીજે દિવસે માણસ નહિં આવતાં રાકેશભાઇએ ફોન કર્યો હતો.જેથી કુરિયર બોયે એક દિવસ પછી આવીશ તેમ કહેતાં રાકેશભાઇએ કવર બીજા કુરીયર મારફતે મોકલી આપ્યું હતું.ત્યારબાદ તેઓ લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે તેમના,તેમની પત્ની અને બહેનના એકાઉન્ટમાંથી રૃ.૩ લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા.
આ ફરિયાદ અંગે સાયબર સેલના પીઆઇ સિદ્દિકી અને ટીમે તપાસ કરતાં પશ્રિમ બંગાળના મુરસીદાબાદ ખાતે રહેતા ઇસ્તિકબાલ હૌસૈન અબુલ કાસેમને ઝડપી પાડયો હતો.આરોપી તેના વિસ્તારમાં કસ્ટમર સર્વિસ પોઇન્ટ ચલાવી દૂરના વિસ્તારોમાં બેન્કિંગ અને એટીએમને લગતી સુવિધા પુરી પાડવાનું કામ કરતો હતો.જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.