ગોવર્ધનની ધર્મશાળામાં છુપાયેલો લાખોની ઠગાઇનો ભેજાબાજ ઝડપાયો
છ માસથી પત્ની સાથે ધર્મશાળામાં રહેતો હતો ઃ જિલ્લા પોલીસની ટીમને અચાનક જોતાં જ સરંડર થઇ ગયો
વડોદરા, તા.1 વડોદરા નજીક આવેલા આલમગીર ગામ ખાતેની ખાનગી કંપનીના ભાગીદાર સાથે રૃા.૪૩.૨૧ લાખની છેતરપિંડી કરી છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ફરાર થઇ ગયેલો ભેજાબાજ મથુરા પાસેના ગોવર્ધનમાં એક વૈષ્ણવ ધર્મશાળામાં તેની પત્ની સાથે મળતાં જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી હતી.
શહેરના માંજલપુર વિસ્તારમાં દરબારચોકડી પાસે વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હરિશ દુર્લભદાસ ઠગરાણાએ પિયુષ પુનમચંદ શાહ (રહે.વાઘેશ્વરી સોસાયટી, વાઘોડિયારોડ) અને તેના ભાણા ધૈર્ય શાહ (રહે.વાઘોડિયારોડ) સામે વરણામા પોલીસ સ્ટેશનમાં તા.૨૧ ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે હું બરાનપુરામાં શ્રીજી એલ્યુમિનિયમ નામથી ધંધો કરું છું તેમજ પિયુષ સાથે ધંધાકિય મિત્રતા થતાં તેના કહેવાથી આલમગીર ખાતે આર્કી એકસ્ટ્રુઝન પ્રા.લી. નામની કંપની શરૃ કરી હતી. કંપનીનું સંચાલન તે સંભાળતો હતો પરંતુ તે ધંધાના વિસ્તરણ માટે વારંવાર રકમની માંગણી કરતા જાણ થઇ હતી કે પિયુષ શાહે પોતાની કંપની વ્રજાનંદ એલ્યુમિનિયમનો ધંધો વિસ્તાર્યો હતો અને અમારી ભાગીદાર કંપનીને ખોટમાં ધકેલી હતી.
ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પિયુષ શાહ ફરાર થઇ ગયો હતો. આ અંગેની તપાસ દરમિયાન જિલ્લા એલસીબીને માહિતી મળી હતી કે લાખો રૃપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ પિયુષ શાહ મથુરા તેમજ તેની આસપાસ કોઇ ધર્મશાળામાં રોકાયો છે. આ માહિતીના આધારે જિલ્લા એલસીબીના પીઆઇ કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠ પીએસઆઇ આર.બી. બનાર અને સ્ટાફની એક ટીમ મથુરા પહોંચી ગઇ હતી અને ભેજાબાજ પિયુષ શાહને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી.
દરમિયાન ગોવર્ધન ખાતે એક વૈષ્ણવ ધર્મશાળાની રૃમમાંથી તે તેની પત્ની સાથે મળ્યો હતો. એલસીબીની ટીમને જોતાં જ પિયુષ શાહ સરંડર થઇ ગયો હતો. પોલીસની ટીમ તેને વડોદરા લઇ આવી હતી અને વરણામાના ગુનામાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચેક રિટર્નના ૧૯ કેસ ઃ ૧૧માં સજા
વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા ભેજાબાજે અનેક લોકો સાથે ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે. તેની સામે ચેક રિટર્ન થયાના વડોદરામાં ૧૮ તેમજ આણંદ જિલ્લામાં એક કેસ મળી કુલ ૧૯ કેસો કોર્ટમાં દાખલ થયા હતાં. આ કેસો પૈકી ૧૧ કેસોમાં તેને સજા પણ થઇ છે તેમજ વોરંટ પણ નીકળ્યું છે. જો કે તેને જેલમાં જવું ના પડે તે માટે સતત ભાગતો હતો.
મથુરા, ગોવર્ધનમાં ૬૦ ધર્મશાળાઓ ચેક કરી
વડોદરાના વેપારી સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરનાર ભેજાબાજ પિયુષ શાહને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસની એલસીબી દ્વારા ઘણા સમયથી પ્રયત્નો હાથ ધરાયા હતાં. દરમિયાન તે મથુરા તેમજ તેની આસપાસ ધર્મશાળામાં રહેતો હોવાની માહિતી મળી હતી. જિલ્લા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને મથુરા તેમજ ગોવર્ધન ખાતે ૬૦ જેટલી ધર્મશાળાઓ ચેક કરી ત્યાર પછી એક વૈષ્ણવ ધર્મશાળામાં તે મળ્યો હતો.