સમાજસેવિકા અને ગુરૃકુલ સાથે સંકળાયેલી મહિલા અને સત્સંગીઓના ફોટા મૂકી બદનામ કરતો પૂર્વ સત્સંગી પકડાયો
વડોદરાઃ સમાજસેવા અને ધાર્મિક સંસ્થાના ગુરૃકુલના સંચાલન સાથે સંકળાયેલી એક મહિલા કાર્યકરની પુત્રી તેમજ અન્ય સત્સંગી બહેનોના ફેસબુક પર ફોટા મૂકી ચારિત્ર્ય અંગે કિચડ ઉછાળતા પૂર્વ સત્સંગીને સાયબર સેલે ઝડપી પાડયો છે.
કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ છ મહિના પહેલાં સાયબર સેલને ફરિયાદ આપી હતી.જેમાં તેણે કહ્યું હતું કે,હું એક ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલી છું અને સમાજ સેવાની સાથેસાથે સંસ્થાના ગુરૃકુળના ટ્રસ્ટમાં પણ સામેલ છું.છેલ્લા કેટલાક સમયથી અમારી સંસ્થાની સત્સંગી બહેનોના ફોટા સાથે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
મહિલાએ એમ પણ કહ્યું હતું કે,રોહિત પટેલના નામની આઇડી પરથી અમારી સંસ્થાના સત્સંગીઓ તેમજ મારી પુત્રીના ફોટા મુકી બીભત્સ લખાણ મૂકવામાં આવી રહ્યા છે.જેથી સાયબર સેલે ડિસેમ્બર-૨૦૨૩ માં આ ફરિયાદને આધારે ગુનો નોંધી ફેસબુક આઇડીની તપાસ કરાવી હતી.
આ બનાવમાં સાયબર સેલના પીઆઇ એન એફ સિદ્દીકી અને ટીમે મનોજ પ્રભુલાલ વાઢેર ઉર્ફે મનોજ આચાર્ય (અંજાર,કચ્છ)ને ઝડપી પાડયો છે.પોલીસે તેનો મોબાઇલ કબજે લઇ વધુ તપાસ જારી રાખી છે.
પાંચ વર્ષ પહેલાં જ સંસ્થાએ છેડો ફાડયો હતો,ખુદ આચાર્ય બની બેઠો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,કચ્છની ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા મનોજ આચાર્યને પાંચેક વર્ષ પહેલાં સંસ્થામાં વાંધાજનક પ્રવૃત્તિને કારણે કાઢી મુકવામાં આવ્યો હતો.પરંતુ હાલમાં તે પોતાને આચાર્ય તરીકે ઓળખાવી રહ્યો છે.સંસ્થાને તેની સાથે કોઇ નિસ્બત નહિં હોવા છતાં તે સત્સંગીઓના ફોટા મેળવીને સંસ્થા વિેશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો.
નેપાળ ભાગી છૂટયો હતો,પરત ફરતાં જ પોલીસે દબોચી લીધો
સત્સંગી બહેનોના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશ્યલ મીડિયા પર બદનામ કરવાના આરોપ હેઠળ પકડાયેલા મનોજ વાઢેરની પૂછપરછ દરમિયાન તે પોલીસના ડરથી નેપાળ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી.પોલીસની તેના પર વોચ હતી અને પરત ફરતાં જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.