નર્મદા નદીમાંથી ગેરકાયદે ખનનના આક્ષેપો વચ્ચે નારેશ્વરરોડ પર રેતીના મોટા ડુંગરો ઃ ફ્લાઇંગ સ્ક્વોડ ત્રાટક્યું

રેતી માફિયાઓના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન ઃ સ્ટોકની ગણતરીથી માફિયાઓની ઊંઘ હરામ

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
નર્મદા નદીમાંથી ગેરકાયદે ખનનના આક્ષેપો વચ્ચે  નારેશ્વરરોડ પર રેતીના મોટા ડુંગરો ઃ ફ્લાઇંગ સ્ક્વોડ ત્રાટક્યું 1 - image

કરજણ તા.૧૬ કરજણ તાલુકાના નારેશ્વર ગામની સીમમાં રેતીના લીઝધારકો દ્વારા નિયમોનો ભંગ કરી નર્મદાનદીના તટમાંથી બિનઅધિકૃત  રેતી ખનન કરી પહાડ જેવા રેતીના ઢગલાઓ કરી દેવામાં આવતા ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૃ કરતાં રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થયાના ગણતરીનાં દિવસોમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતાં કહેવાતા માફિયા ઉપર ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે લાલ આંખ કરી છે. કરજણ તાલુકાના નારેશ્વર ખાતે મોટા પ્રમાણમાં રેતીની લીઝો આવેલી છે. નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીના તટમાંથી ખાણ ખનિજ વિભાગના નીતિ નિયમોનો છડેચોક ઉલંઘન કરી રોકટોક વગર કેટલાક કહેવાતા રાજકીય માથાઓના ઓથા હેઠળ રેતી માફીયાઓ દ્વારા વિપુલ પ્રમાણમાં ગેરકાયદે બિનઅધિકૃત  રેતીનું  ખનન  કરી નારેશ્વર ગામની સીમમાં પહાડ જેવા મોટા રેતીના ઢગ કરી દેવાયા છે. 

આ ઉપરાંત નારેશ્વરને જોડતા સ્ટેટ હાઇવે પર રેતી ભરેલા ડમ્પરોની બેફામ અવરજવરના કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે અથવા અન્ય વાહનોને અકસ્માતનો ભય રહેતો હોય છે. નારેશ્વર પાસેની નર્મદા નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન ઉપરાંત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી  હોવાની માહિતીના આધારે નારેશ્વરની સીમમાં ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૃ  થતાં રેતી માફિયાઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. 

કહેવાતા રેતી માફિયાઓ સાથે પ્રત્યક્ષ  કે પરોક્ષ રીતે સંકળાયેલા રાજકીય નેતાઓમાં દોડધામ મચી જવાનાં એહવાલો મળી રહ્યા છે. રેત માફિયાઓ ઉપર વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ હોવાની ખબરો નારેશ્વર પંથકમાં વહેતી થતાં લોકોમાં ચર્ચાનો મુદ્દો પણ બન્યો હતો.




Google NewsGoogle News