કપુરાઇ બ્રિજથી તરસાલી બ્રિજ વચ્ચે અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીનું મોત
મોપેડ પર દંપતી તેમની પુત્રીઓ સાથે લગ્ન પ્રસંગે જતા હતા
વડોદરા,કપુરાઇ બ્રિજથી તરસાલી બ્રિજ વચ્ચે કાર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
ડભોઇ તાલુકાના કુંભારવાડા ગામ તળાવ ફળિયામાં રહેતા સુરેશભાઇ શંકરભાઇ બારિયા એપોલો ટાયર કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે બપોરે પોણા બાર વાગ્યે તેઓ મોપેડ લઇને માતા કૈલાસબેન તથા પત્ની શકુંતલાબેન તેમજ બે દીકરીઓ સાથે માંજલપુરમાં રહેતી બહેનની દીકરીના લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. બપોરે સાડા બાર વાગ્યે કપુરાઇ બ્રિજ તથા રેલવે બ્રિજ પસાર કરી તેઓ આગળ જતા હતા. તે દરમિયાન પાછળથી આવતી એક કારના ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. સુરેશભાઇને માથા, મોંઢા તથા જમણા પગે, તેમની માતા કૈલાસબેનને માથા, મોંઢા, છાતી તથા કમરના ભાગે ઇજા થઇ હતી. તેમના પત્ની શકુંતલાબેનને જમણા પગે તથા તેમની પાંચ વર્ષની દીકરીને માથા તાથા છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને નાની દીકરીને પણ ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું.