વડોદરાના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીમાં માછલીઓનું સામ્રાજ્ય
image : Freepik
Vadodara News : વડોદરા શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારો સહિત પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓ હજી વરસાદી પાણી ઉતરવાનું નામ નથી લેતું. પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થયું હોવાના ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આ અંગેની હકીકતનો પર્દાફાશ પણ એક મહિલા કોર્પોરેટરે કર્યો છે. પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાંથી હજી વરસાદી પાણી ઉતર્યા નથી. ત્યારે હવે ભરાયેલા પાણીમાં મસ મોટી માછલીઓ તરતી જોવા મળતા સ્થાનિક રહીશોના બાળકોમાં ગભરાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદ મન મૂકીને પડી રહ્યો છે, ત્યારે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલા પાણી ઉતરવાનું નામ લેતા નથી. જોકે પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી ખૂબ જ સારા પ્રમાણમાં થયું હોવાના ઢોલ નગારા વગાડવામાં આવે છે. પરંતુ પ્રિમોન્સૂન કામગીરીની સાચી હકીકત માત્ર કાગળ પર હોવાના ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહ્યા છે. જોકે એક મહિલા કોર્પોરેટરે આવા આક્ષેપનો પર્દાફાશ પણ કર્યો હતો. પરિણામે 'તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ' જેવો ઘાટ પાલિકામાં સર્જાયો હતો. પ્રિમોન્સુન કામગીરી 99 ટકા થયાની જોરશોરથી કરવામાં આવે છે. પરંતુ શહેરમાં જ્યાં અગાઉના વર્ષોમાં પાણી ભરાતા ન હતા એવા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયાના બનાવો બન્યા છે. પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાંથી છેલ્લા કેટલાય દિવસથી વરસાદી પાણી ઉતર્યા નથી પરિણામે હવે વરસાદી પાણીમાં મોસ મોટી માછલીઓ સહિત નાની-નાની માછલીઓ ફરતી નજરે ચડવાથી લોકોમાં કૌતુક ફેલાવા સહિત બાળકોમાં ગભરાટ ફેલાયો છે.